Main Menu

Wednesday, July 18th, 2018

 

અમરેલીનાં કદાવર નેતા દિલીપ સંઘાણીને નિર્દોષ જાહેર કરાયા

અમરેલીનાં કદાવર નેતા દિલીપ સંઘાણીને નિર્દોષ જાહેર કરાયા
ચીફ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરાયો
અમરેલી, તા.
રાજયનાં પૂર્વ કાયદામંત્રી દિલીપભાઈ સંઘાણી સામે ચૂંટણી સમય દરમિયાન આચાર સંહિતાના ભંગ કરવા સબબ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાયેલ હતી.
આ અંગેનો કેસ અત્રેની એડી. ચીફ જયુ. મેજિસ્‍ટ્રેટ સા.ની કોર્ટમાં ચાલી જતા ન્‍યાયધીશ એ.એચ.મકરાણીએ આ બનાવમાં દિલીપભાઈ સંઘાણીને નિર્દોષ જાહેર કર્યા હતા.

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી લાખો રૂપિયાનું નુકશાન હોય વળતર ચુકવો : ટીકુભાઈ વરૂ

જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી લાખો રૂપિયાનું નુકશાન હોય વળતર ચુકવો : ટીકુભાઈ વરૂ
કોંગી અગ્રણી અને બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂની માંગ
અમરેલી, તા.
જાફરાબાદ તાલુકામાં છેલ્‍લા ચાર પાંચ દિવસથી ખુબ જ વરસાદ આવેલ છે. જેના લીધે આખા તાલુકામાંતારાજી સર્જાય છે. અને અમુક ગામો વરસાદના કારણે સંપર્ક વિહોણા થયેલ છે. ઘણાખરા મકાનો ધરાશાઈ થયેલ છે. ખેડૂતોની જમીનમાં મોટા પાયે ધોવાણ થયેલ છે. અને જે પાક વાવેલ હતો તે ખેડૂતોનો પાક તણાય ગયેલ છે. તાલુકામાં અસંખ્‍ય રોડ રસ્‍તાઓ, નાળા-પુલીયાઓ તુટી ગયેલ છે. ઘણા ગામોમાં વીજળી પણ બંધ થઈ ગયેલ છે. અને નેશનલ હાઈ-વે રોડ ઉંચો લેવાથી ઘણા ખેડૂતોના ખેતરમાં પાણી ભરેલા રહે છે. જેને કારણે ખેડૂત વર્ગ પણ બે હાલ થઈ ગયેલ છે. અને પશુઓનો ઘાસચારો પણ તણાઈ ગયેલ છે. અને અમુક ગામોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ શકયતાઓ છે. તો આ તમામ ઉપરની બાબતોને ઘ્‍યાને લઈ જાફરાબાદ તાલુકાને સહાઈનું સ્‍પેશ્‍યીયલ પેકેજ જાહેર કરી લોકોનું રાબેતા મુજબ જનજીવન કરવા બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.

બાકીદારોને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા પ,8ર,ર00નો દંડ

શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી. ધારી શાખાનાં
બાકીદારોને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા તથા પ,8ર,ર00નો દંડ
અમરેલી, તા.
મંડળીની ધારી શાખામાંથી મંડળીના સભાસદ ફીરોજભાઈ હુસૈનભાઈ પઠાણે લોન લઈ ભરતા ન હોય ઉધરાણી કરતા ચેક આપેલ જે ચેક બેંકમાં ભરતા ચેક રીટર્ન થતા ધારી બ્રાંન્‍ચનાં મેનેજર દીલીપભાઈ મહેતાએ એડીશ્‍યનલ ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં ફરીયાદ કરતા ધ નેગોશીએબલ ઈન્‍સ્‍યુમેન્‍ટ એકટની કલમ-138નાં ગુન્‍હા માટે તકસીરવાર ઠરાવી 1 (એક) વર્ષની સજા અને ચેકની રકમ રૂા. પ,8ર,118 નો દંડ ફટકારેલ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરામવેલ.
આ સજા ફટકારતાં મંડળીના અન્‍ય બાકીદારોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ આ કામે મંડળી વતી એડવોકેટ રવિકુમાર આર.વાળા રોકાયેલા હતા.

બાબરાનાં વાંકીયામાં દિયરને બચાવવા જતા ભાભીને માર પડયો

દિયર-ભોજાઈને સારવાર માટે ખસેડાયા દવાખાને
અમરેલી, તા.
બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતા કમુબેન જીવાભાઈ વાળા નામના 3ર વર્ષીય મહિલાના દિયર પ્રવિણભાઈએ અગાઉ ડાયાભાઈ ભીખાભાઈ વાળાને હાથ ઉછીના પૈસા આપેલ હતા જેની આ પ્રવિણભાઈએઉઘરાણી કરતા તેમને ઢીકાપાટુનો માર મારતા હોય જેથી ભાભી બચાવવા વચ્‍ચે જતાં તેમને પણ ઢીકાપાટુનો માર મારતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

લાલાવદરનાં બુટલેગરને પાસા હેઠળ જેલહવાલે કરાયા

મોટા ખુંટવડા પોલીસે સુરત જેલહવાલે કર્યા
અમરેલી, તા.
ભાવનગર જિલ્‍લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ મોટા ખુંટવડા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.કે. ગોહિલ તથા સ્‍ટાફ દ્વારા અમરેલી જિલ્‍લાના બુટલેગર્સ જગુભાઈ વાલાભાઈ વાળા રહે. લાલાવદર વિરૂઘ્‍ધની ગુન્‍હાની માહિતી એકઠી કરી પાસા હેઠળ દરખાસ્‍ત તૈયાર કરી જિલ્‍લા મેજિ. ભાવનગરનાઓને મોકલી આપતા જિલ્‍લા મેજિ. હર્ષદ પટેલે પાસા હેઠળ અટકાયત કરવા સારૂ હુકમ કરેલ તે અનુસંધાને તા.17/7ના રોજ મોટા ખુંટવડા પોલીસ મજકુર પ્રોહી બુટલેગર્સની પાસા હેઠળ અટકાયત કરી મઘ્‍યસ્‍થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી અસરકારક અને સકારાત્‍મક કાર્યવાહી કરતા અસામાજિક તત્‍વોમાં ફફડાટ     ફેલાયેલ છે.

સાવરકુંડલા પાલિકાનાં 4 કોંગી બળવાખોર નગરસેવકોને પક્ષાંતર ધારા અંતર્ગત નોટીસ

સભ્‍યપદ શા માટે રદ ન કરવું તેવી નોટીસથી ફફડાટ
સાવરકુંડલા પાલિકાનાં 4 કોંગી બળવાખોર નગરસેવકોને પક્ષાંતર ધારા અંતર્ગત નોટીસ
કોંગ્રેસપક્ષે પક્ષમાંથી દુર કર્યા બાદ વધુ એક કાર્યવાહી
અમરેલી, તા.
સાવરકુંડલા કોંગ્રેસના 4 કાઉન્‍સીલરોએ કોંગ્રેસ સામે બળવો કરી ભાજપમાં જોડાઈ જતાં પક્ષાંતર ધારા અધિકારીએ નોટીસ ફટકારતા સાવરકુંડલાનાં રાજકારણમાંભારે  ખળભળાટ મચી જવા પામેલ.
આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા નગરપાલિકાનાં 36 સભ્‍યોનાં બોર્ડમાં ર0 સભ્‍ય કોંગ્રેસ પાસે અને 16 સભ્‍ય ભાજપ પાસે હતા. તેવી સ્‍થિતિમાં નગરપાલિકાનાં પ્રમુખ માટેના બીજા અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિપુલભાઈ નારણભાઈ ઉનાવા, ગીતાબેન ભુપતભાઈ દેગામા, નયનાબેન અતુલભાઈ કાપડીયા, કૈલાશબેન જગદીશભાઈ ડાભી આ 4 સભ્‍યોએ કોંગ્રેસ વિરૂઘ્‍ધ બળવો કરી ભાજપ ભેગાભળી જતાં આ ચાર        બળવાખોર સભ્‍યો સામે પક્ષાંતર ધારા નીચે પક્ષાંતર અધિકારીને લેખીતમાં આપી સભ્‍યપદેથી દુર કરવાની પેરવી હાથ ધરવામાં આવેલ હતી. તે અનુસંધાને ગુજરાત રાજયનાં નોમીનીટ અધિકારી અને સચિવ રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ ઘ્‍વારા આ બળવાખોર સભ્‍યોને નોટીસ પાઠવી જણાવેલ હતું કે, ગુજરાત પક્ષાંતર ધારા 1986ની કલમ-3 હેઠળ રજુ કરેલ અરજી અંગેની પ્રથમ સુનાવણી પરિશિષ્‍ટમાં જણાવેલ સમયે અને સ્‍થળે રાખવામાં આવેલ છે. સદર મુદતનાં સમયે આપ તથા આપના અધિકૃત પ્રતિનિધિ અરજીના જવાબ સાથે આધાર પુરાવા સહિત હાજર રહેવા સુચના આપવામાં આવેલ છે. જો તેમ કરવામાં ચુક કરશો તો આ અંગે આપને કોઈ રજુઆત કરવી નથી તેમ માની પક્ષાંતર ધારાની જોગવાઈ એક તરફીકાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્‍લેખનીય એ વાતનું છે કે, કોંગ્રેસ પક્ષ અત્‍યારે ખૂબ જ આક્રમક મુડમાં જોવા મળી રહી છે. તયારે સાવરકુંડલા કોંગ્રેસનાં 16 સદસ્‍યોમાંથી એક જ સુર વહેતો થયેલ છે કે આ બળવાખોર સભ્‍યોને કોંગ્રેસમાં પરત ન લેવા અને પક્ષાંતર ધારા મુજબ ડિસ્‍કોલીફાઈડ કરવા મકકમ નિર્ધાર વ્‍યકત કરેલ છે.

જાફરાબાદ-રાજુલામાં અવિરત મેઘસવારી રહેતા લોકો વરસાદથી થયા પરેશાન

અમરેલી શહેરમાં વિરામ લેતા મેઘરાજા
જાફરાબાદ-રાજુલામાં અવિરત મેઘસવારી રહેતા લોકો વરસાદથી થયા પરેશાન
અમરેલી, તા.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં છેલ્‍લા કેટલાંક દિવસથી મેઘો મંડાયો હોય, રાજુલા-જાફરાબાદમાં મેઘાએ ભારે નુકશાન કર્યું છે. જયારે ગઈકાલે સવારથી અમરેલી શહેરમાં વરાપ નીકળતા મેઘાએ વિરામ લીધો હતો પરંતું રાત્રીના સમયે મચ્‍છર જેવો વરસાદ શરૂ થયો હતો.  જયારે અમરેલી જિલ્‍લામાં અન્‍ય જગ્‍યાએ પણ અર્ધાથી 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયાનું જાણવા મળેલ છે. જાફરાબાદ-રાજુલામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનો તાગ મેળવવા માટે જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ દોડી આવ્‍યા છે.
અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાંક દિવસોથી ઝાપટા સ્‍વરૂપે પડી રહેલા વરસાદે આજે આખો દિવસ વિરામ લીધો હતો. અને તડકો પણ નીકળ્‍યો હતો.
આજે સવારે 7 વાગ્‍યના સમયે પુરા થતાં ર4 કલાકમાંજિલ્‍લાના બગસરામાં પ મી.મી., જાફરાબાદમાં 98 મી.મી., ખાંભા 4ર મી.મી., રાજુલામાં 1પ મી.મી. સાવરકુંડલા 17મી.મી. અને વડીયામાં 1ર મી.મી. વરસાદ નોંધાયો છે.
બાકીના તાલુકા તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મેઘાએ વિરામ લેતા જગતાત ખેતીના કામમાં લાગી ગયા છે.

રાજુલા-જાફરાબાદ પંથકનાં ખેડૂતો, ગરીબો ભારે પરેશાન : ધારાસભ્‍ય ડેર અસરગ્રસ્‍તોને જરૂરી મદદ કરી રહૃાા છે

ભારે વરસાદનાં કારણે ખેતરો અને માર્ગોનું ધોવાણ થઈ ગયું
રાજુલા-જાફરાબાદ પંથકનાં ખેડૂતો, ગરીબો ભારે પરેશાન
ધારાસભ્‍ય અંબરીશ ડેર સતત અસરગ્રસ્‍તોની મુલાકાત લઈને જરૂરી મદદ કરી રહૃાા છે
અમરેલી, તા.
અસરગ્રસ્‍ત જાફરાબાદની મુલાકાતે કૃષિમંત્રી આર.સી.ફળદુ દોડી આવ્‍યા. છેલ્‍લા બે દિવસમાં જાફરાબાદ શહેર અને તાલુકાના ગામોમાં થયેલા અતિભારે વરસાદ સૌથી વધુ કફોડી સ્‍થિતિમાં મુકાયેલ આ તાલુકાનાં રોહિસા, વઢેરા ગામની મુલાકાત કરી પરિસ્‍થિતિનો ભાગ મેળવ્‍યો હતો. અત્‍યારે આ લખાય છે. ત્‍યારે રાત્રીનાં 8 કલાકે ધારાબંદર ખાતે પહોંચ્‍યા છે. પરંતુ પાણી અને ગંદકીના કારણે સરકારી ગાડીઓ ગામ સુધી પહોંચી શકે તેમ ન હોય મંત્રી અને સાથે રહેલા જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ માટે ટ્રેકટરમાં જવાની વ્‍યવસ્‍થા સ્‍થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આજે દિવસ દરમ્‍યાન રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર પણ અસરગ્રસ્‍ત જાફરાબાદ તાલુકાની મુલાકાતે હતા. અંબરીષ ડેરના કહેવા મુજબ ધારાબંદર, વઢેરા, છેલણા, હેમાળ, ભાડા ગામની સ્‍થિતી અન્‍યંત ખરાબ છે. હાલ નેશનલ હાઈ-વે ને ફોર ટ્રેક રોડ બનાવવાનીકામગીરી ચાલે છે. તેમાં મોટા તાબાની જગ્‍યાએ નાના-નાળાઓ આ કામનાં કોન્‍ટ્રાકટર એગ્રો કંપનીએ બનાવતા જે – તે ગામના આગેવાનોએ કંપની સામે વિરોધ કરી મોટા નાળા બનાવવાની માંગ કરી હતી. આ માંગને કંપનીના અધિકારીઓએ સ્‍વીકારી પણ હતી પણ અમલમાં મુકી ન હતી પરિણામે બે દિવસમાં થયેલા ભારે વરસાદથી આ નેશનલ હાઈ-વે રોડ ઉપર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. અને તેને મોટું આર્થિક નુકશાન થયું છે. આવી જ સ્‍થિતિ નેશનલ હાઈ-વે રોડ ઉપર આવતા રાજુલા તાલુકાના ગામોની કંપનીની ભુલના કારણે   થઈ છે.
ધારાસભ્‍ય ડેરના જણાવ્‍યા પ્રમાણે રાજુલા, જાફરાબાદ નેશનલ હાઈ-વેના કોન્‍ટ્રાકટરની અવળ ચંડાઈના હિસાબે સેંકડો એકર જમીનોમાં પાણી ફરી વળ્‍યા છે. વાવેલા પાકને નુકશાન થયું છે. તેવા ખેડૂતોને નુકશાનીનું વળતર મળવું જ જોઈએ, કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેશમેનનું કદાચ કમાણીમાં એકાદ વર્ષ નબળુ કે ફેઈલ રહયું હોય તો તેને કશો ફેર પડતો નથી. પરંતુ રાત-દિવસ કાળી મંજુરી કરી ઉધાર – ઉછીના કરી મોંધા ભાવનું ખાતર બિયારણ લાવી વાવણી કરી ખેડૂતો સારા વર્ષ માટે સહ પરિવાર રાત-દિવસ સંઘર્ષ કરતા હોય તેમને કુદરતી થપાટને બદલે મોટા ગજાના માનવી અને તેમાં સરકારની નિચ્‍ક્રીયતાની થપાટ લાગે તો ખેડૂતોને આખુવર્ષ પોતાના પરિવાર માટે રોજી-રોટી માટે રખડવું – ભટકવું પડે છે. ધારાસભ્‍ય અંબરીશ ડેર એંગો કંપની ની નેશનલ ઓથોરેટી અને સરકારને એક તાકીદનો પત્ર પાઠવી જણાવ્‍યું છે કે રાજુલા- જાફરાબાદ પંથકના જેટલા ખેડૂતોને આ કંપનીની અવળ ચંડાઈથી જે નુકશાન થયું છે. તેનું વળતર કાંતો કંપની મુકવે અથવા સરકાર, આજે જાફરાબાદ તલાુકાનાં આ અસરગ્રસ્‍ત ગામોની મુલાકાતે આવેલા અમરેલી જિલ્‍લાનાં પ્રભારીમંત્રી અને સરકારના કૃષિમંત્રી આ પ્રશ્‍નો નિવેડો લાવે તો જ તેમની મુલાકાત સાર્થક ચાલતી થશે તેવું બન્‍ને તાલુકાના ખેડૂત અગ્રણીઓ  જણાવે છે.
મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ આજે સૌરાષ્‍ટ્રના વરસાદથી અસરગ્રસ્‍ત વિસ્‍તારોની હેલીકોપ્‍ટર મારફત નિરીક્ષણ કર્યુ હતું અને આજે રાત્રીના 9:30 કલાક આજુ-બાજુ વેરાવળ ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ રાખી હતી જેના સી.એમ.એ જો પોતાની વાતમાં રાજુલા – જાફરાબાદના ખેડૂતોની સેંકડો એકરમાં જે તે કંપનીઓના કારણે ભરાયેલા વરસાદના પાણીની નોંધ સુઘ્‍ધા લીધી ન હતી. આટલું જ નહિ આ બન્‍ને તાલુકાની પુર અસરગ્રસ્‍તો વિશે કશું બોલ્‍યા પણ ન હતા. જેની નોંધ આ વિસ્‍તારના સમગ્ર લોકોએ લીધી છે.

અમરેલી પટેલ સંકુલની 69 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

ભૂખ્‍યા પેટે ઓરી-રૂબેલાની રસીકરણ લીધા બાદ
અમરેલી પટેલ સંકુલની 69 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી
તમામ વિદ્યાર્થીનીઓને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાંઆવતા અફડાતફડી
સિવિલ હોસ્‍પિટલમાં પલંગ ખૂટી પડતાં એક બેડ પર 3-3 વિદ્યાર્થીનીની સારવાર કરાઈ
આરોગ્‍ય અધિકારીએ રસીકરણને તબિયતને કોઈ લેવા-દેવા નથી તેમ જણાવ્‍યું
અમરેલી, તા.
અમરેલી શહેરમાં ગઈકાલે પટેલ સંકુલમાં વિદ્યાર્થીનીઓને ઓરી-રૂબેલાની રસીકરણ બાદ પેટમાં લોચા-ગભરામણની ફરિયાદ ઉઠતા 69 જેટલી બાળાઓને અમરેલી સરકારી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાતા હોસ્‍પિટલમાં સારવારના પલંગ ખૂટતા એક પલંગ ઉપર 3-3 બાળાઓને રાખવામાં આવતા અફડા-તફડીનો માહોલ સર્જાયેલ હતો. હોસ્‍પિટલ ડી.એચ.ઓ. પટેલે રસીકરણથી આવું બન્‍યાનો સ્‍પષ્‍ટ ઈન્‍કાર કરેલ હતો. ત્‍યારે બાળાઓને ખરેખર તકલીફ કયા કારણોસર થયેલ તે તપાસનો વિષય બનેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરમાં છેલ્‍લા બે દિવસથી સરકારી તંત્ર દ્વારા 9 માસથી 1પ વર્ષના બાળકોને મફતમાં ઓરી-રૂબેલા રસીકરણ આપવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં શહેરની પ્રખ્‍યાત પટેલ સંકુલમાં રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સરકારી તંત્ર દ્વારા રસીકરણ પહેલા બાળકોએ નાસ્‍તો કરવો ફરજિયાત હોવાની સુચના આપવામાં આવેલ હતી. ત્‍યારે રસીકરણ બાદ સંકુલની 69 જેટલી ધોરણ-10ની બાળાઓને પેટમાં લોચા વળવા, ગભરામણ થવુંની ફરિયાદો ઉઠતા આવીબાળાઓને તાત્‍કાલિક અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા હોસ્‍પિટલમાં અફડા-તફડીનો માહોલ વચ્‍ચે પથારી ખૂટી પડેલ હતી. જેથી એક પલંગ ઉપર બેથી ત્રણ બાળાઓને સારવાર અર્થે સુવડાવવામાં આવેલ હતી. બાળાઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવેલ હતી.
રસીકરણ અંગે ડી.એચ.ઓ. જયેશ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતું કે રસીકરણથી બાળાઓને કોઈ અસર થયેલ નથી. બાળાઓને ખાસ કોઈ એવી તકલીફ પણ ન હતી. તમામને સારવાર આપી રજા આપવામાં આવેલ હતી. ર0 હજાર જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવેલ છે. ત્‍યારે એક પણ બાળકની કે વાલીની કોઈ તકલીફની ફરિયાદ મળેલ નથી. પટેલ સંકુલના સંચાલક મનસુખભાઈ ધાનાણીનો સંપર્ક કરતા જણાવેલ હતું કે ઘણી બાળાઓને રસીકરણ કરવામાં આવેલ હતું. બાળ મંદિરથી લઈને ધોરણ-10 સુધીની બાળાઓને રસીકરણ કરવામાં આવેલ હતું. જેમાં 14 થી 1પ વર્ષની જ બાળાઓએ પેટમાં લોચાની અને ગભરામણની તકલીફની ફરિયાદ કરેલ હતી. આવી બાળાઓ કદાચ નાસ્‍તો કર્યા વગર કે જમ્‍યા વગર આવેલ હોવાના કારણે અસર થયાનું અંદાજવામાં આવેલ હતું.
પટેલ સંકુલની હજારો બાળાઓને રસી આપવામાં આવેલ હતી. તેમાંથી ફકત 69ને જ અસર થવા અંગે તેમજ ડોકટરો રસીકરણથી આવી ઘટના ન બની હોવાઅંગે ખરેખર બાળાઓને કયા કારણોસર પેટમાં લોચા વળવાની તેમજ ગભરામણ થવાની તકલીફ થયેલ તે તપાસનો વિષય બનેલ છે.

પ્રભારીમંત્રી ફળદુએ અસરગ્રસ્‍ત જાફરાબાદ-રાજુલા તાલુકામાં મુલાકાત લીધી

અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ વરસાદથી અસરગ્રસ્‍ત જાફરાબાદ-રાજુલા તાલુકામાં મુલાકાત લીધી
અમરેલી, તા.
કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્‍લાની મુલાકાત લીધી હતી.
જિલ્‍લા પ્રભારીમંત્રી ફળદુએ ધાતરવડી ડેમ અને રાજુલા-જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વમંત્રી વી.વી. વઘાસીયા, બાવકુભાઈ ઉંઘાડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અગ્રણી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, કલેકટર આયુષ ઓક, પાણી-પુરવઠા, સિંચાઈ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.
અમરેલી જિલ્‍લાનાં દરિયાઈ વિસ્‍તારના જાફરાબાદ- રાજુલા તાલુકાઓમાં છેલ્‍લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહૃાો છે. ગુજરાત રાજયના અમુક વિસ્‍તારોમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નિર્ણયશીલ, રાજય સરકારે મંત્રી-પ્રભારીમંત્રીઓને વરસાદથી અસરગ્રસ્‍ત સ્‍થળોની મુલાકાત લઈ સ્‍થળ નિરીક્ષણ અને પરિસ્‍થિતિથી વાકેફ થવા સૂચના આપી હતી. સ્‍થળોની મુલાકાત અને નિરીક્ષણ બાદ અસરગ્રસ્‍તોને તાત્‍કાલિક સહાય પૂરી પાડવા અધિકારીઓને સૂચના પણ મંત્રીએ આપી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્‍લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્‍થિતિની ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરથીસર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે વધુ વરસાદથી પ્રભાવિત વિસ્‍તારના વહીવટીતંત્ર સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વિગતો મેળવી અને સ્‍થિતિનો તાગ મેળવી રાહત બચાવ કાર્ય કરવા માટેનું માર્ગદર્શન આપ્‍યું હતું.
રાજયમાં હાલ એનડીઆરએફની 1પ ટીમ તૈનાત છે. ઉપરાંત સૌરાષ્‍ટ્ર-દક્ષિણ, ગુજરાત, મઘ્‍ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જરૂર જણાયે ત્‍વરાએ ડિપ્‍લોય કરી શકાય તે માટે વધુ પાંચ ટીમ મુકવામાં આવશે. એનડીઆરએફ ટીમ ઘ્‍વારા જાફરાબાદ તાલુકાના સોખડામાં રપથી વધુ લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર કરાવ્‍યું હતું. આટલું જ નહિ તેમના આવાસ અને ખાનપાનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.
વરસાદી આફતથી કોઈ જાનહાની ન થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ અને સતર્ક છે. રાજય સરકાર સ્‍થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. રાજય-જિલ્‍લા સ્‍તરે ર4શ7 કંટ્રોલરૂમ સતત કાર્યરત કરવામાં આવ્‍યા છે. રાજયનું આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્ર પણ સુસજજ છે. રાજયમાં જરૂર જણાય ત્‍યારે એરફોર્સની મદદ પણ લેવામાં આવશે.

ભૈ વાહ : બાબરા પંથકમાં મેઘમહેરથી હરખની હેલી

બળેલ પીપરીયા, ખીજડીયા કોટડા, ફુલજર, ધરાઈ સહિતનાં ગામોમાં દે ધનાધન
ભૈ વાહ : બાબરા પંથકમાં મેઘમહેરથી હરખની હેલી
અનેક નદીઓ, તળાવો અને ચેકડેમમાં નવા નીરની આવક થઈ
અમરેલી, તા.
બાબરા તાલુકામાં મંગળવારે મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ધીમીધારેથી ધોધમાર વરસાદ વરસી જતાં તાલુકાનાં મોટા દેવળીયા, ધરાઈ, વાવડી, ત્રંબોડા, ખીજડીયા કોટડા, ફુલજર, બળેલ પીપળીયા સહિતનાં ગામડાઓમાં ભારે ઘોડાપુર આવ્‍યા હતા. જેમાં ફુલજર ગામ સંપર્ક વિહોણું બન્‍યું હતું તેમજ ધરાઈની પ્રાથમિક શાળામાં પુરના પાણી ઘુસી ગયા હતા. ગામડાઓમાં ભારે વરસાદ થતાં મામલતદાર ખીમાણી, ટીડીઓ સોલંકી સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈને પરિસ્‍થિતિની સમીક્ષા કરી હતી. જો કે માત્ર પુરનું પાણી ગામમાં ઘુસ્‍યું હતું કોઈપણ જાતની અન્‍ય નુકશાની કે જાનહાની થઈ ન હતી.
બાબરા તાલુકાના બળેલ પીપળીયા, ખીજડીયા કોટડા અને ફુલજરમાં પ થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો તેમજ ધરાઈમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની બજારો તેમજ પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતકચેરીમાં વરસાદી પાણી પ્રવેશ્‍યા હતા. અહીં ખીજડીયા કોટડા, બળેલ પીપળીયા તેમજ ફુલજર ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામની ફુલજર નદીમાં ઘોડાપુર આવ્‍યું હતું અને ફુલજર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. અહીં ફુલજર ગામમાં પુરના પાણી પ્રવેશ્‍યા હતા. અહીં ભારે પુરના કારણે સંપર્ક વિહોણું બન્‍યું હતું. જોકે ગામના સરપંચ નાગરાજભાઈ વાળા ઘ્‍વારા નીચાણવાળા વિસ્‍તારના લોકોનું સ્‍થળાંતર કરી દેતા કોઈ જાનહાની થઈ ન હતી. આ વિસ્‍તારમાં સાત જેટલા ગામડાઓમાં ભારે વરસાદના કારણે શિક્ષણ વિભાગ ઘ્‍વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
બાબરા તાલુકાનાં ફુલજર બળેલ પીપળીયા અને ખીજડીયા કોટડામાં ભારે વરસાદનાં કારણે ખેતરોની જમીનનું ધોવાણ થયું છે. ફુલજર ગ્રામ પંચાયતના સરપંચ નાગરાજભાઈ વાળાએ જણાવ્‍યું હતું કે, ભારે વરસાદના કારણે મગફળી અને કપાસ સહિત અન્‍ય ખેત જણસોના પાકનું ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્‍યો છે. ત્‍યારે રાજય સરકાર ઘ્‍વારા તાત્‍કાલિક અસરથી અહીં તમામ ખેડૂતોને આર્થિક સહાય કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

અચ્‍છે દિન : અમરેલીનો ઠેબી જળાશય છલોછલ

એક જ રાતમાં મેઘરાજાએ જળાશયને કરી દીધો ઓવરફલો
અચ્‍છે દિન : અમરેલીનો ઠેબી જળાશય છલોછલ
બાબરા, ચિતલ પંથકમાં ભારે વરસાદ પડતાં ગણતરીની કલાકોમાં જળાશય છલોછલ
શહેરની દોઢ લાખની જનસંખ્‍યાનાં હૈયે ધરપત થઈ ગઈ
અમરેલી, તા.
અમરેલી ઠેબી ડેમના ઉપરવાસ ચિતલ, બાબરા પંથકમાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા અમરેલી શહેરની દોઢ લાખથી પણ વધુ વસતી ધરાવતા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતો ઠેબી ડેમમાં નવા નીર આવતાં દિલીપભાઈ સંઘાણીએ વધામણા કર્યા હતા.
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલા ગામોમાં છેલ્‍લા કેટલાંક સમયથી વરસાદ પડી રહૃાો હતો પરંતુ આ જિલ્‍લા કક્ષાનાં અમરેલી શહેરમાં પીવાના પાણીની ભર ચોમાસામાં પણ મુશ્‍કેલી પડી રહી હતી. સ્‍થાનિક પાલિકાનાં પાણીના સ્‍ત્રોત ખાલી થઈ જતાં અમરેલી શહેરને પાણી માટે મહી પરીએજ યોજના ઉપર આધાર રાખવો પડતો હતો. જેને લઈ ભર ચોમાસામાં પણ અમરેલીમાં હાલમાં પ દિવસે પાલિકા પાણી વિતરણ કરે છે.
સોમવારે રાત સુધી અમરેલીયન લોકો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો શું થશે તેવી ચિંતા વ્‍યકત કરી રહૃાા હતા. અને ચિંતામાં ને ચિંતામાં સુઈ ગયા હતા. પરંતુ કુદરત ધારે તો એક પળમાં જ અને ચપટી વગાડતા જ લોકોની ચિંતા દુર કરી દે છે.તેમ મોડી રાત્રીનાં સમયે અમરેલી શહેરની દોઢ લાખથી પણ વધુ વસતી ધરાવતા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ઠેબી ડેમમાં ઉપરવાસ ચિતલ, બાબરા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં અને લોકો સવારે મોર્નિંગ વોકમાં ઠેબી ડેમ ઉપર પહોંચ્‍યા તો આ ડેમમાં નવા નીર આવી ગયા હતા. અમરેલી શહેરની દોઢ લાખથી પણ વધુ વસતી ધરાવતા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ઠેબી ડેમ નવા નીરથી છલોછલ ભરાઈ જવા પામ્‍યો હતો.
લોકો રાત્રે સુવાના સમયે આ ઠેબી ડેમ ખાલી તો અને સવારે ઉઠયા ત્‍યારે આ જ ડેમ પાણીથી છલોછલ ભરેલો હતો. ત્‍યારે આ કુદરતના કરિશ્‍મા જેવી ઘટના સર્જાતા અમરેલીનાં શહેરીજનો સવાર સવારમાં જ ઠેબી ડેમ ઉપર નવા નીર નિહાળવા હાથ લાગ્‍યું તે વાહન લઈ પહોંચી ગયા હતા.
ત્‍યારે ગુજકો માસોલના અઘ્‍યક્ષ, પૂર્વ કૃષિ અને સહકારી મંત્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા, જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી, અમરેલી નગરપાલિકાના પૂર્વ અઘ્‍યક્ષ કાળુભાઈ પાનસુરીયા, જિલ્‍લા યુવા ભાજપના પૂર્વ અઘ્‍યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ રાજેશ રૂપારેલ, તુષાર જોષી, સહિતનાઓએ ઠેબ ડેમ ઉપર લોકોની સાથે જઈ અને નવા નીરના વધામણા કર્યા હતા.

બગસરાનાં ખીજડીયા ગામે મહેમાન બનેલદીપડાથી ભયનો માહોલ

ફફડાટ : બગસરાનાં ખીજડીયા ગામે મહેમાન બનેલદીપડાથી ભયનો માહોલ
વનવિભાગનો પ્રયત્‍ન છતાં પણ દીપડો નાશી છુટયો
અમરેલી, તા.
બગસરા તાલુકાનાં ખીજડીયા ગામે દીપડાની હાજરીને લીધે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વન વિભાગ ઘ્‍વારા દીપડાને પકડવા માટે પ્રયત્‍ન કરવા છતાં આ દીપડો ભાગી નીકળવામાં સફળ રહેતાં લોકોમાં ફફડાટ વ્‍યાપી રહૃાો છે.
વિગત અનુસાર બગસરા તાલુકામાં શિલાણા નજીક આવેલ ખીજડીયા ગામમાં સોમવારની રાત્રે એક દીપડાએ બકરીનું મારણ કરી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા એક મકાનમાં આસરો લીધા હતો. સવારે ગામલોકોને આ બાબતે સગડ મળતા ગ્રામજનો ઘ્‍વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વનવિભાગના કર્મચારીઓ ખીજડીયા દોડી આવ્‍યા હતા. ગ્રામજનોની મદદ લઈ આ દીપડાને પકડવા માટે પ્રયત્‍ન કરતા હતા તે દરમિયાન દીપડો ભાગી નીકળવામાં સફળ થયો હતો અને અધિકારીઓનો કાફલો હાથ મસળતો રહી ગયો હતો. આમ ફરી આ દીપડો નજીકનાં ખેતરોમાં છુપાઈ ગયો હોય ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે.
આ બાબતે સરપંચ મેરૂભાઈ વાળાના જણાવ્‍યા અનુસાર વનવિભાગ પાંજરૂ મુકી આ દીપડાને પકડવા કવાયત કરે તેવી માંગ કરવામાં આવી છે.
દીપડાએ શાળાની નજીકમાં આવેલ અવાવરૂ મકાનમાં ગત રાત્રે મારણ કરી રોકાણ કરેલું હોય. દીપડાની ફરીઆ તરફ આવવાની શંકાને લીધે વાલીઓ બાળકોને  શાળાએ મોકલવામાં પણ ભય અનુભવી રહૃાા છે.

સારી આવકવાળા એકસપ્રેસ રૂટ પર ખાનગી બસ દોડાવાશે તો એસટી સંઘ આંદોલન કરશે

વહીવટી સંચાલકને યુનિયન હોદ્યેદારોએ ચીમકી આપી
સારી આવકવાળા એકસપ્રેસ રૂટ પર ખાનગી બસ દોડાવાશે તો એસટી સંઘ આંદોલન કરશે
એસટીનું ખાનગીકરણ પ્રાણઘાતક બનશે તેવી શંકા વ્‍યકત કરી
અમરેલી, તા.
અમરેલીના એસટી કર્મચારી મંડળ, ભારતીય મઝદૂર સંઘ અને એસટી યુનિયનને એસ.ટી.ના વહીવટી સંચાલકને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, મઘ્‍યસ્‍થ કચેરી, અમદાવાદ ખાતેથી વિભાગના સારી આવકવાળા એકસપ્રેસ રૂટો પર પ્રાઈવેટ એ.સી. સ્‍લીપર બસો તથા અન્‍ય બસો નિગમના બસ સ્‍ટેશન તેમજ નકકી થયેલ અન્‍ય સ્‍થળોથી સંચાલન કરવામાં આવશે તો આ બાબતનો અમો સખ્‍ત વિરોધ કરીએ છીએ.
વધુમાં સરકારના અભિગમ મુજબ નિગમ ગુજરાતની મુસાફર જનતાની સેવા માટે નહીં નફો નહીં નુકશાનના ધોરણે ચલાવવાની સંસ્‍થા છે. જેનું ભાડુ પણ સરકારની મંજૂરીથી નકકી થાય છે. અંતરીયાળ ગ્રામ્‍ય મુસાફરોની સુવિધા, વિદ્યાર્થીઓની સુવિધા કે આપાતકાલીન સમયમાં પણ નિગમનીબસો અવિરત પણે દોડતી રહે છે. અને આ સંસ્‍થાનો કામદાર રાત દિવસ ભૂલીને જનતા જનાર્દનની સેવા કરતા રહે છે. તો ફકત પ્રાઈવેટ લકઝરી બસોના માલીકોને ફાયદો કરાવવાના હેતુથી જો આવા તઘલખી અને પ્રાણઘાતક નિર્ણય મેનેજમેન્‍ટ દ્વારા લેવામાં આવશે તે ખૂબ જ દુઃખદ બાબત છે.
વધુમાં જણાવેલ છે કે, એક તરફ જે પ્રાઈવેટમાં બસ બોડી બંધાતી હતી તેને બંધ કરી ઈન હાઉસ બોડીઓ એશીયાના સૌથી મોટા અદ્યતન વર્કશોપ નરોડા ખાતે બનાવવાનું નકકી કરેલ અને હાલમાં સ્‍લીપર કોચ અને અન્‍ય વાહનોની બોડી બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે તે ગર્વની બાબત છે. અને આ પ્રકારની કામગીરી ચાલુ હોય પછી તેની સામે પ્રાઈવેટ વાહનો લઈ ખાનગીકરણ તરફ આગળ વધવું એ નિગમ તથા કામદારો માટે પ્રાણઘાતક સાબિત થાય તેમ હોવાથી અમો સખ્‍ત વિરોધ દર્શાવીએ છીએ અને જો મેનેજમેન્‍ટ દ્વારા ચલાવવામાં આવતી રૂટ સર્વેની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો નિગમ તેમજ કામદારોના હિત માટે જે કાંઈ પરિસ્‍થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી વહીવટ, મેનેજમેન્‍ટની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

18-07-2018