Main Menu

Saturday, May 19th, 2018

 

અમરેલીનાં આધેડને લાગી આવતા ફીનાઇલ પી લેતા સારવારમાં

ઉછીના લીધેલ રૂપિયાની ઉઘરાણી કરાતા
અમરેલીનાં આધેડને લાગી આવતા ફીનાઇલ પી લેતા સારવારમાં
અમરેલી, તા. 18
અમરેલીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા આસીફભાઇ ઉર્ફે જબતારભાઇયુનુસભાઇ ગોવાર નામના 4પ વર્ષીય આધેડે ત્રણેક વર્ષ પહેલા ધોરાજી ગામે રહેતા ઇરફાનભાઇ હારૂનભાઇ તથા અજીમભાઇ હારૂનભાઈ પાસેથી રૂપિયા ઉછીના દર મહિને 10 હજાર આપવાની શરતે લીધી હતા અને છેલ્‍લા અઢી વર્ષથી પૈસા આપતા હોય અને બાદમાં પૈસા આપતા હોય બાદમાં પૈસા આપી શકે તેમ ન હોય જેથી બે અજાણ્‍યા ઇસમોને મોકલી ધમકી આપતા તેમણે લાગી આવતા ફીનાઇલ પી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

ચિત્તલનાં બીનાકા ચોકમાંથી ધુલકા ફુલ મળી આવતા અરેરાટી

અમરેલી, તા.18
તાજેતરમાં ગત ગુરૂવારે તા.17/પ, નાં મોડી રાત્રી પછી ચિત્તલ મેઈન બજારમાં બીનાકા ચોક પાસેની ગટરમાં કોઈ અજાણી મહિલાએ પાંચ માસના સુ-વિકસીત બાળગર્ભ ફેકી જતા નાના એવા ચિત્તલમાં ભારે ચકચાર ફેલાઈ છે. આંગેની જાણ ચિત્તલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રઘુવીરસિંહ તથા અન્‍યોને થતા પોલીસને જાણ કરાતાં એ.એસ.આઈ. સિરિષ બરજોડ, હેડ કોન્‍સ. મુળજીભાઈ મકવાણા તથા સ્‍ટાફ દોડી આવેલ ચિત્તલ સરકારી દવાખાને ડોકટરે તેમને બાળક (પુરૂષ) મૃત જાહેર કરેલ. અજાણી સ્‍ત્રી પર ફરિયાદ દાખલ કરાઈ છે. લોકોમાં આ બનાવ અંગે જાત-જાતની અટકળો ફેલાઈ છે. અને તે સ્‍ત્રી પર ફીટકારની લાગણી.

અમરેલીમાં વૃદ્ધ પિતાને બે પુત્રોએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી

અમરેલી, તા.18
અમરેલીના ચોરાપાવિસ્‍તારમાં રહેતા વિપુલભાઈ બાબુભાઈ મકવાણાના પુત્રો કિર્તીભાઈ તથા નિલેશભાઈને મકાન વેંચી નાખવાનું કહેતા પિતાએ મકાન વેંચવાની ના પાડતા બન્‍ને દીકરાઓઅ ઉશ્‍કેરાઈ જઈ વૃઘ્‍ધ પિતાને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી એક બીજાને મદદગારી કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

સાવરકુંડલાને જિલ્‍લા મંથક બનાવીને રાજુલા, જાફરાબાદ, ધારી, લીલીયા અને જેસરનો સમાવેશ કરો

આગામી દિવસોમાં અનેકસંસ્‍થાઓ દબાણ વધારે તેવી શકયતાઓ
અમરેલી, તા.18
અમરેલી જિલ્‍લાનાં સૌથી મોટા તાલુકા શહેર ગણાતા સાવરકુંડલાને જિલ્‍લા મથક જાહેર કરવાની માંગ ધીમે – ધીમે બળવતર બની રહી છે.
સાવરકુંડલાને જિલ્‍લા મથક જાહેર, કરીને તેમાં રાજુલા – જાફરાબાદ, ખાંભા, ધારી, લીલીયા અને જેસર તાલુકાનો સમાવેશ કરવા માટે જાગૃત નાગરિકો આગામી દિવસોમાં જનતાનાં સાથે સરકાર સમક્ષ રજુઆત કરવા માટે તૈયારી કરી રહયાનું જાણવા મળેલ છે.
આ વ્‍યાજબી માંગને રાજકીય અને સામાજિક આગેવાનો પણ સમર્થન આપે તો નવાઈ પામવા જેવું નહી રહે.

સરકારી શાળાનાં શિક્ષકો દ્વારા કાર્યરત ટયુશન કલાસીસ બંધ કરો

યુવા ભાજપે ડીઈઓને કરી રજુઆત
અમરેલી, તા. 18
અમરેલી જીલ્‍લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર ઘ્‍વારા અમરેલી જીલ્‍લાનાં પ્રાઈવેટ ટયુશન કલાસીસ ચલાવતા શિક્ષકોને યોગ્‍ય રોજગાર મળી રહે તેમજ સરકારી શાળાનાં શિક્ષકો ટયુશન કલાસ નહી ચલાવી શકે તેમ અમરેલી જીલ્‍લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

અમરેલીમાં પત્‍નિને ઢીકાપાટુનો માર મારતા પતિ સામે નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા.18
અમરેલીનાં વેરાઈ પા વિસ્‍તારમાં રહેતા તસલીમબેન સમીરભાઈ પરમાર નામની પરિણીતાના ભાઈ પાસેથી તેણીનાં પતિએ એકટીવા લાવેલ જે સ્‍કૂટર પરત આપી દેવા તેણીએ કહેતા પતિ સમીરભાઈ વલીભાઈ પરમારને સારૂ નહીં લાગતાં ઉશ્‍કેરાઈ જઈ તેણીને  ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવેલ છે.

ભીંગરાડનાં ગામજનોમાં ભયનો માહોલ ઉભો થયો

ગામનાં જ ર શખ્‍સોએ અનહદ ત્રાસ શરૂ કર્યાનો આક્ષેપ
ભીંગરાડનાં ગામજનોમાં ભયનો માહોલ ઉભો થયો
ધારાસભ્‍ય ઠુંમરની આગેવાનીમાં સમસ્‍ત ગામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી મદદ કરવા માંગ કરી
અમરેલી, તા. 18
લાઠીનાં ભીંગરાડનાં ગામજનોએ ગામ પંચાયત અને સામાજિક સંસ્‍થાઓના સથવારે કલેકટર કચેરી સમક્ષ ધરણા કરીને બાદમાં આવેદનપત્ર પાઠવેલ હતું.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમારા ગામમાં (1) વિનુભાઈ ગોરાભાઈ ઉર્ફે ગોવિંદભાઈ સોલંકી તથા (ર) મનસુખભાઈ ઉર્ફે ઓમકારેશ્‍વર શંભુભાઈ રામાવત ગ્રામજનો ઉપર અનહદ ત્રાસ વર્તાવવાનું ચાલુ કરેલ છે. અને આ લોકોના ત્રાસને કારણે ગામલોકોએ હીજરત કરવી પડે તેવી પરિસ્‍થિતિ ઉત્‍પન્‍ન થયેલ છે. ઉપરોકત બન્‍નેને તથા તેમને સહકાર આપનાર વ્‍યકિતઓએ ભેગા મળીને અમારા ગામમાં ત્રાસ આપેલ છે.
વધુમાં જણાવેલ કે સને.ર01રમાં આ મનસુખભાઈ રામાવત અમારા ગામમાં રહેવા આવેલ છે. અને આ વિનુભાઈ સોલંકી બન્‍ને વચ્‍ચે મિત્રતાના સંબંધ હોય, અમારા ગામમાં આઝાદી પછી કયારેય ગ્રામપંચાયતની ચુંટણી થયેલ ન હોય પરંતુ આ બન્‍નેએ ભેગા મળીને અમારા ગામમાં જ્ઞાતિઓ વચ્‍ચે ફાટફુટ પડાવેલ અને ર013 માં પ્રથમ વખત ચુંટણી થયેલ અને આ વિનુભઈ સરપંચ બનેલા અને સરપંચ બનતા જ ગામમાં દાદાગીરીનું પ્રમાણ વધી ગયેલ હતું. અને તે વખતે અમારા ગામના ઉપસરપંચ, તલાટીમંત્રી તથા ગ્રામ પંચાયતના સભ્‍યો વિરૂઘ્‍ધ સાવ ખોટી અને ઉપજાવી કાઢેલ હકીકતોવાળી એટ્રોસીટીની ફરીયાદ આ વિનુભાઈ સોલંકીએ કરેલ અને જેમાં આ મનસુખભાઈ રામાવત અમારા ગ્રામ પંચાયતના હોદેદારોની મીટીંગમાં હાજર ન હોવા છતાં ખોટી રીને સાક્ષી બનેલ.
વધુમાં જણાવેલ છે કે, અમારા ગામના વતની અને ઘણાં વર્ષોથી સુરત ગમે રહેતા લાઠીયા માણેકભાઈ શામજીભાઈ મોટા ઉદ્યોગપતિ હોય અને અમારા ગામના વતની હોય જેથી જન્‍મભૂમીનું ઋણ ચુકવવાના ઈરાદાથી અમારા ગામમાં ગામનું તળાવ, તળાવના પાળા, સ્‍મશાનગૃહ, વૃઘ્‍ધો માટે શાંતીવન / બગીચો, બાળકોને રમવા મટે ક્રીડાંગણ, ગામની સ્‍કૂલનું સંપુર્ણ રીનોવેશન, આંબેડકર ભવન નવેસરથી બનાવવાનું કામ, ગામના રસ્‍તાઓ, ગટર વિગેરે જેવા ગામનાં વિકાસના કામો આ માણેકભાઈ લાઠીયા પોતાના ખર્ચે અને સરકારમાંથી કોઈ નાણાંકીય લાભ મેળવ્‍યા સિવાય તેમજ ગામના દાતાઓના સહકારથી આ બધા કામો ચાલુ છે. પરંતુ આ બધા કામોમાંથી નાણાંમેળવવા માટે આ કામોમાં આ વિનુભાઈ સોલંકી, મનસુખભાઈ રામાવત તથા તેમના મળતીયા અડચણ અટકાયતો કરી રહેલ છે. અને ગમે તેમ કરીને નાણાં પડાવવાના ઈરાદાથી આવી અડચણો કરી રહેલ છે. અને આ બાબતે ખોટી ઉપજાવી કાઢેલ હકીકતોવાળી અરજીઓ કરેલ છે. અને આ બધા કામોનું ખાતમુર્હૂત થયું ત્‍યારે આ બન્‍ને ઈસમો સાથે જ હતાં પરંતુ આ કામોમાંથી તેમને નાણા ન મળતા અને બધા કામો તેમના હસ્‍તક રાખવા અને હીસાબો તેમની પાસે રાખવા હોય જેનો ઈન્‍કાર કરતા આ બન્‍ને અને તેમના મળતીયાઓએ ગયેલ નહી અને ખોટી રીતે અરજી અહેવાલો કરેલ છે. આમ ગામના વિકાસમાં અડચણ ઉત્‍પન્‍ન થાય તેવી કાર્યવાહી કરી રહેલ છે.
વધુમાં જણાવેલ છે કે, હાલમાં અમારા ગામમાં તળાવ ઉંડુ કરવાનું કામ ચાલતુ હોય ત્‍યારે સરપંચ કાળુભાઈ લાઠીયાને પણ આ બન્‍ને શખ્‍સો વિનુભાઈ સોલંકી અને મનસુખભાઈ રામાવતે ધમકીઓ આપેલ અને કામગીરી બંધ કરવા જણાવેલ હતું જે બાબતે પણ તેઓએ લાઠી પોલીસમાં ફરીયાદ આપેલ છે.
વધુમાં જણાવેલ છે કે અમારા ગામમાં આ બન્‍ને વિનુભાઈ સોલંકી તથા મનસુખભાઈ રામાવત તથા તેમના મળતીયા એવા અમારા ગામના કનુભાઈ ધરમશીભાઈ રંગપરા તથા તેમના ભાઈ વલ્‍લભભાઈ તથા કેશુભાઈ અરજણભાઈ તેજાણી, અરવિંદભાઈ ભીખાભાઈ સાંથળા, અને શૈલેષભાઈ મનજીભાઈપરમાર આ બધા ભેગા મળીને ગામ આખાને બાનમાં લીધેલ છે.
આમ ઉપરોકત બન્‍ને વિનુભાઈ સોલંકી તથા મનસુખભાઈ શંભુભાઈ રામાવત અને તેમને મદદ કરનારા ઉપરોકત ઈસમો ભેગા મળીને ગામમાં ઉધાડી લુંટ ચાલુ કરેલ છે. અને અનેક લોકો પાસેથી ખોટી રીતે ફસાવીને નાણાં મેળવેલ છે. અને બ્‍લેકમેઈલીંગ કરે છે. અને જો કોઈ વિરોધ કરે તો ખોટા કેસો કરીને ફસાવી દે છે. અને આ લોકોના ડરને કારણે તો ધણા લોકો ફરીયાદ કરવા કે વાત કરતા પણ ડર અનુભવે છે. અને ગામનાં લોકોને શાંતીથી રહેવું પણ મુશ્‍કેલ થઈ ગયેલ છે. તો આ બધા લોકો વિરૂઘ્‍ધ કાયદેસરના તમામ પગલાં લેવા / લેવરાવવા અને અમો ભીંગરાડ ગામના લોકોને તેઓના ત્રાસમાંથી મુકત કરાવવા અંતમાં માંગ કરેલ છે.

દામનગરનાં પરમધામ સ્‍મશાનની મુલાકાત લેતા ધારાસભ્‍ય

દામનગર શહેરના સ્‍મશાન પરમધામ સેવા સમિતિનાં યુવાનો અનેસામાજિક સુધારા માટે પહેલ કરતાં પરિવાર પ્રેરણાત્‍મક નિર્ણયો બદલ ધારાસભ્‍યએ ખુશી વ્‍યકત કરી હતી. દામનગર પરમધામ સેવા સમિતિ ર્ેારા થતી સ્‍મશાન સેવાની વાતોથી પરમધામ દામનગરની મુલાકાતે પધારેલ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ર્ેારા વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને શ્રમદાન કરતા યુવાનો ર્ેારા થયેલ અદભૂત સેવા જોઈ પ્રભાવિત થયા અને સમાજ ર્ેારા ભૂમિદાહ સંસ્‍કારને તિલાંજલિ આપી અગ્નિદાહ સંસ્‍કાર તરફ વળેલ પરિવારોને રૂબરૂ મળી આભાર વ્‍યકત કરતા આભારપત્રો એનાયત કર્યા હતા. પરમધામ સંકુલની વિશાળતા વિવિધ સગવડો નિહાળી સ્‍વચ્‍છતા સુંદરતા કરતા યુવાનોની સેવાની સરાહના કરી હતી.

ખોડીયાણાની યુવતિને કોઈ કારણોસર ઝાડા-ઉલ્‍ટીઓ શરૂ થતાં સારવારમાં

ભારે ગરમીનાં કારણે બનાવ બન્‍યાની પણ શકયતાઓ
અમરેલી, તા. 18
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લો ગઈકાલ સવારથી અગન ગોળા બની જવા પામ્‍યો હતો અને બપોરનાં સમયે અમરેલીનું તાપમાન 44.7 ડીગ્રી સુધી પહોંચી જઈ સમગ્ર ગુજરાતમાં સૌથી ઉંચું તાપમાન નોંધાયું હતું.
ત્‍યારે સાવરકુંડલા તાલુકાનાં ખોડીયાણા ગામે રહેતી સેજલબેન વાઘાભાઈ રાતડીયા નામની 18 વર્ષિય યુવતિને ગઈકાલે બપોરે અચાનક જઝાડા ઉલ્‍ટીઓ શરૂ થઈ જવા પામ્‍યા હતા. આ અંગે ભોગ બનનારે બપોરે માત્ર કઢીઅને રોટલો ખાધો હોવાનું તેણીએ જણાવ્‍યું હતું. બાદમાં તેણીને પ્રથમ ખાંભા, સાવરકુંડલા, અમરેલી દવાખાને ખસેડાયા બાદ બેભાન હાલતમાં  તેણીને રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ છે.આ યુવતિને ગરમીનાં કારણે ઝાડા ઉલ્‍ટીઓ શરૂ થઈ ગયાનું ડોકટર્સનું પ્રાથમિક તારણ છે. ત્‍યારે ભારે ગરમીથી લોકો હવે બિમાર પડવા લાગ્‍યાનો પ્રથમ બનાવ બન્‍યો હોય તેમ લાગી રહૃાું છે.

બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખપદ સ્‍ત્રી માટે અનામત

અમરેલી, તા.18
અમરેલી જિલ્‍લા પંચાયત તેમજ મોટાભાગની તાલુકા પંચાયતોનાં પ્રમુખની મુદત આગામી મહિને પૂર્ણ થઈ રહી હોય નવા પ્રમુખ પદે કોણ બિરાજમાન થશે તેને લઈને અનેકવિધ અટકળો તેજ બની રહી છે.
દરમિયાન બિનસતાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્‍લા પંચાયતનું પ્રમુખપદ એસસી માટે અનામતજાહેર થવાની શકયતાઓ છે. તો અમરેલી, લાઠી, કુંકાવાવ અને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખપદે સામાન્‍ય ઉમેદવાર બેસી શકશે.
જયારે બાબરા, રાજુલા, બગસરા, ધારી અને જાફરાબાદમાં સામાન્‍ય સ્‍ત્રી, ખાંભામાં ઓબીસી અને લીલીયામાં એસસી ઉમેદવારોને તક મળે તેવી શકયતાઓ છે.
જો કે સતાવાર જાહેરાત આગામી એક અઠવાડિયામાં થવાની શકયતાઓ છે. અને આગામી મહિને તમામ તાલુકા પ્રમુખો અને જિલ્‍લા પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય જિલ્‍લાના પંચાયતી માહોલમાં ગરમાવો આવી ગયો છે.

બાબરાનાં ચરખા ગામ નજીક ડબલ સવારી બાઇક વીજપોલ સાથે અથડાતા ર ભાઇઓનાં મોત

મુસ્‍લીમ સમાજમાં માતમ ફેલાવતી ઘટના
બાબરાનાં ચરખા ગામ નજીક ડબલ સવારી બાઇક વીજપોલ સાથે અથડાતા ર ભાઇઓનાં મોત
મૃતક બંને ભાઈઓ રાજકોટનાં રહેવાસી હોવાનું ખુલ્‍યુ
અમરેલી, તા.
બાબરા તાલુકાના ચરખા ગામ પાસે વહેલી સવારે ગંભીર અકસ્‍માત સર્જાતા રાજકોટના બે આશાસ્‍પદ યુવાનોના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા. અકસ્‍માતની જાણ બાબરા પોલીસ થતા પીએસઆઇ પરડીયા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં રૈયારોડ લક્ષ્મીસોસાયટી ખાતે રહેતા અબ્‍દુલભાઇ દેખૈયા પુત્ર ઇમરાનભાઇ થતા અકરમભાઇ આ બંને સગા ભાઇઓ ગુરૂવારના રોજ રાજકોટ ખાતે પોતાના નિવાસ સ્‍થાનેથી પોતાનું બાઇક નંબર જી.જે.3 કે.એફ. લઇ ભાવનગર જિલ્‍લાના વલ્‍લભીપુર ગામમાં ખરખરાના કામે ગયા હતા. ત્‍યાંથી મોડી રાતે પરત ફરતા બાબરાના ચરખા ગામ નજીક વહેલી સવારે વીજપોલ સાથે બાઇક અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં ઇમરાનભાઇ (ઉ.વ.3પ) તેમજ અકરમભાઇ (ઉ.વ.રપ) બંને સગા ભાઇઓના ઘટના સ્‍થળે મોત નિપજયા હતા. 108 મારફત બાબરાના સરકારી દવાખાને બંને ભાઇઓના મૃતદેહને ખસેડાતા મુસ્‍લિમ સમાજમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મુસ્‍લિમ સમાજ અગ્રણી મુસાભાઈ પરમાર સહિતના આગેવાનો દ્વારા હતભાગી પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
બાબરા પોલીસ દ્વારા અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં તાપમાન 1 ડીગ્રી  નીચું રહેતા ગરમીમાં સામાન્‍ય ઘટાડો

અમરેલીમાં તાપમાન 1 ડીગ્રી  નીચું રહેતા ગરમીમાં સામાન્‍ય ઘટાડો
પવન અને વાદળાઓનાં કારણે ગરમીનું પ્રમાણ ઘટયું
અમરેલી, તા.
અમરેલીમાં ગઇકાલે સૌથી વધુ ગરમી એટલે કે 44.7 ડીગ્રી નોંધાયા બાદ આજે બપોરે અચાનક  જ વાતાવરણ પલટાયુ હતુ અને બપોરે વાદળાઓ છવાતા અને પવન પણ સુસવાટા મારતો હોય જેને લઇ આજે તાપમાનમાં ગઇકાલ કરતા 1 ડીગ્રી એટલે સાંજે 43.6 ડીગ્રી જેટલું નોંધાયુ હતુ.
આજે તાપમાનમાં સામાન્‍ય રીતે નીચું રહેતા ગરમીથી લોકો અકળાયા છે. હવે લોકો વરસાદની ઋતુ શરૂ થાય, તેવું ઇચ્‍છી રહયા છે.

ભાજપ સરકાર ‘‘અચ્‍છે દિન”નું વચન પુર્ણ કરે : કોંગ્રેસ

અમરેલીનાં કલેકટર મારફત મુખ્‍યમંત્રી રૂપાણીને આવેદનપત્ર પાઠવ્‍યું
ભાજપ સરકાર ‘‘અચ્‍છે દિન”નું વચન પુર્ણ કરે : કોંગ્રેસ
ભાજપ સરકારનાં રાજમાં ગરીબો અને મઘ્‍યમવર્ગીય પરિવારને જીવવું મુશ્‍કેલ બની રહૃાું છે
અમરેલી, તા.
અમરેલીનાં કોંગીજનોએ આજે કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિરોધપક્ષ હજુ સક્રીય છે તેની સાબિતી આપવાનો ઉમદા પ્રયાશ કર્યો છે.
કોંગી આગેવાનોએ સૌપ્રથમ કર્ણાટકનાં રાજયપાલનાં એક તરફી નિર્ણયનો વિરોધ કર્યા બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવો આસમાને પહોંચી રહૃાા હોય તેને કાબુમાં લેવા અને કારમી મોંઘવારીમાં પિડાતા ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોને બચાવી લેવાની માંગ કરી હતી.
આ તકે ધારાસભ્‍ય ઠુંમરે જણાવ્‍યું હતું કે, ભાજપની આ સરકાર જેટલા દિવસ રહેશે તેટલા દિવસ વધુ ભારતનું નખોદ નીકળવાનું છે. જેમાં પેટ્રોલ-ડિઝલમાં લૂંટ, જીએસટીના નામે લૂંટ, ખેડૂતોને ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ ના આપી લૂંટ, શાળાઓમાં ફીની ઉઘાડી લૂંટ, ગેસના બાટલામાં ગૃહિણીઓની ઉઘાડી લૂંટ, દરેક સરકારી ખાતાઓમાં ભ્રષ્‍ટાચારથી ઉઘાડી લૂંટ, હાઈવે ઉપર ટોલટેક્ષનાં નામે લૂંટ, નિરવ મોદી, લલીત મોદી, માલ્‍યાની ગરીબ મઘ્‍યમવર્ગની મુડીની ઉઘાડી લૂંટ, ખોટા ઉત્‍સવો કરી નાગરીકોનાં ટેક્ષનાં પૈસાની ઉઘાડીલૂંટ તેમજ મહિલાઓનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘ્‍વારા ખુલ્‍લેઆમ શોષણ થઈ રહૃાું છે.
વધુમાં જણાવેલ છે કે, આ વિકાસશીલ સરકારે છેલ્‍લા 4 વર્ષમાં એટલો બધો વિકાસ કર્યો છે કે, ગેસ સિલિન્‍ડર ર80નાં 800 થયા, પેટ્રોલ-ડિઝલના પ6ના 7પ થયા, ખેડૂતોને મગફળીના 1100નાં 700, કપાસના 1400નાં 9પ0, ડુંગળી, ટમેટા અને બટાકા રોડ ઉપર ફેંકવાનો વારો આવ્‍યો, કેશલેસ સ્‍કીમ તો લાગ્‍યા પણ બેંકો જ કેશલેસ બની ગઈ, મનની બાત એ માત્ર પબ્‍લીસીટી સ્‍ટંટ બની ગયો, માલ્‍યા, નિરવ મોદી, લલીત મોદી, ગરીબ અને મઘ્‍યમવર્ગની બેંક ડિપોઝીટ ઉઠાવી વિદેશ ભાગી ગયા, ડોલર પ4 હતો તે સાહેબની ઉંમર કરતાં વધીને 67 ગયો, હોમ સ્‍ટેટ ગુજરાત, પીવાના પિયતના પાણી સિવાય વલખા મારે છે, કાળુનાણુ તો પરત ના આવ્‍યું પણ લોકોનું સફેદ નાણું નોટબંધી, જીએસટીથી સરકારે લઈ લીધું, દેશ અને ગુજરાતનો કૃષિ વિકાસ દર ર.પ0 ટકા અને વિકાસ દર ઘટીને પ ટકા થયો. ત્‍યારે દેશનાં બે ટકા લોકો (દલાલો) હજુ સરકારના વિકાસની વાતો કરે છે. કેમ કે તે બધા વચેટીયાનું કામ કરતા હોય છે. ભભસૌનો સાથ સૌનો વિકાસભભ એ માત્ર સ્‍ટંટ બની ગયો છે તેમ ઠુંમરે અંતમાં જણાવ્‍યું હતું.
આ તકે પંકજ કાનાબાર, સીમાબેન સાંગાણી, મુકતાબેન નાકરાણી, લલિત ઠુંમર, પરેશભુવા, કે.કે. વાળા, ફૈઝલ ચૌહાણ, નરેશ અઘ્‍યારૂ, ટીકુભાઈ વરૂ સહિતનાં કોંગી આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

મેમદા ગામનાં જુના મકાનનાં ખોદકામ દરમિયાન સિકકા મળી આવ્‍યા

100 વર્ષ પુરાણા સિકકા મળતાં તંત્ર દોડી ગયું
મેમદા ગામનાં જુના મકાનનાં ખોદકામ દરમિયાન સિકકા મળી આવ્‍યા
દામનગર, તા. 18
દામનગરનાં મેમદા ગામે જુના મકાનનાં ખોદકામ દરમિયાન ખેર વલ્‍લભભાઈ કાનાભાઈને એક માટલી મળી આવતા સરકારમાં જાણ કરી લાઠી મામલતદાર અને પીએસઆઈ ગોસાઈ સ્‍ટાફ સાથે સ્‍થળે પહોંચી સને 1914ની સાલના જુના ચાંદીના 60 નંગ સિકકા કબ્‍જે લઈ સ્‍થળની ચોકસી અને વધુ વિગતો મેળવાઈ રહી છે. 60 નંગ ચાંદીના રાણી છાપ સિકકા 1913ની સાલના કબ્‍જે લઈ પુરાતત્‍વવિદોને સ્‍થળ વિઝીટ અને સિકકાનો કયાં વર્ષમાં સંગ્રહ થયો હતો તેવી વિગતો મેળવાય રહી છે.

સરસ : અમરેલીમાં પીજીવીસીએલ ટાઉન દ્વારા ગરીબ બાળકોને ચંપલ વિતરણ

તમામ સરકારી વિભાગો માટે પ્રેરણાદાયી કાર્ય
સરસ : અમરેલીમાં પીજીવીસીએલ ટાઉન દ્વારા ગરીબ બાળકોને ચંપલ વિતરણ
અમરેલી, તા.18
આમ તો સરકારી વિભાગોની છાપ આમ આદમીમાં આમ તો માનવતાહીન હોવાની ઉપસી હોય છે. તેવા જ સમયે પીજીવીસીએલ દ્વારા માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના પ્રકાશમાં આવી છે.
અમરેલી પીજીવીસીએલ ટાઉન સબ ડિવીઝનનાં અધિકારીઓએ ગરીબ બાળકો બળબળતા વાતાવરણમાં ખુલ્‍લા પગે ફરી રહયા હોય તે બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્‍યા હતા. પીજીવીસીએલ ટાઉનની કામગીરી અન્‍ય સરકારી વિભાગો માટે પ્રેરણાદાયી બની છે.

અમરેલી જિલ્‍લામાં ડુંગળી પકવતા ખેડૂતોનેપોષણક્ષમ ભાવો મળતા નથી

ડુંગળીનાં ભાવ હજુ પણ ઘટી રહૃાાં હોય પરેશાની
અમરેલી, તા. 18
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત પોષણક્ષમ ભાવ નહી મળવાનાં કારણે દયનીય છે ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ડુંગળીનું વાવેતર પુષ્‍કળ પ્રમાણમાં થયું હોય, પરંતુ        ડુંગળીનો ભાવ રૂા.ર0 થી 80 સુધીનો મળતો હોય જે ભાવ કરતાં અનેક ઘણું ઉત્‍પાદન ખર્ચ હોય, ખેડૂતની પરિસ્‍થિતિ વણસી રહી છે.
અમરેલી જિલ્‍લામાં હાલમાં સામાન્‍ય ડુંગળીનો ભાવ રૂા.1 થી ર કિલોનો ઉપજે છે. જયારે સારામાં સારી ડુંગળીનો ભાવ રૂા.3 થીપ સુધી આવે છે. પરંતુ આ ભાવમાં પણ કોઈ ડુંગળી ખરીદ કરવા માટે આગળ આવતું ન હોય, હજુ ડુંગળીનાં ભાવો નિચે આવે તેમ લાગી રહૃાું છે.
જો આગામી દિવસોમાં આવી જ પરિસ્‍થિતિ રહેશે તો અમરેલી જિલ્‍લામાં પણ ડુંગળીનાં ઉત્‍પાદક ખેડૂતોએ પોતાના ડુંગળીનાં પાક ઉપર ટ્રેકટર ફેરવવાનો વારો આવશે તેમ લાગી રહૃાું છે.
અમરેલી માર્કેટયાર્ડ ખાતે આજે મોટા પ્રમાણમાં લીલી તથા સુકી ડુંગળીનો જથ્‍થો વેચાણમાં આવેલ હતો. પરંતુ ડુંગળીની ખરીદીમાં મંદિનો માહોલ જોવા મળતાં ખેડૂતોની  હાલત અતિ દયનીય છે.

ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ ચાલતા આંદોલન દરમિયાન એક મહિલાનું મૃત્‍યુ

ર4 દિવસથી ગરીબ પરિવારો ન્‍યાય માંગી રહૃાા છે
રાજુલા, તા. 18
રાજુલા પ્રાંત કચેરી સામે છેલ્‍લા ર4 દિવસથી પીપાવાવધામ તથા આસપાસનાં ગામોનાં લોકો જીએચસીએલ કંપની અને ભુમાફીયાના કબ્‍જામાંથી જમીન મુકત કરવા માટે ઉપવાસ આંદોલન અને મધુભાઈ સાંખટ, જીલુભાઈ બારૈયા, આતુભાઈ શિયાળ, સાર્દુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ છેલ્‍લા 1ર દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. ગામને ન્‍યાય મળે તે માટે આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ર4 દિવસથી લોકો ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે છતાં પણ અધિકારીઓ હજી સુધી સચોટ રિપોર્ટ બનાવી શકયા નથી ત્‍યાં સુધી અધિકારીઓ શું કરી રહૃાા છે તે ખબર નથી પડતી. કંપની અનેભુમાફીયાઓને સરકારી બાબુઓ છાવરી રહૃાા છે.
જીએચસીએલ કંપનીનો લીઝ રિન્‍યુની અરજી 8 વર્ષથી સરકાર પાસે છે છતાં સરકાર કંઈ પણ નિર્ણય લઈ શકી નથી. પરંતુ હજી સુધી અધિકારીઓ ભુમાફીયાઓના કબ્‍જામાંથી જમીન મુકત કરાવી શકયા નથી. કંપનીની લીઝ રિન્‍યુ થઈ ગઈ છે છતાં પણ બેરોકટોક લાખો ટન મીઠું પકાવે છે. જયારે તે જ ગામોના લોકોને લીઝ પુરી થતાં અધિકારીઓ ઘ્‍વારા શ્રી સરકાર દાખલ કરવામાં આવી સરકાર ગરીબ લોકોને અન્‍યાય કરી રહી છે અને ભુમાફીયા અને કંપનીઓને છાવરી રહી છે. કંપની અને ભુમાફીયાઓ સામે લોકો મકકમતાથી લડી રહૃાા છે અને ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે.
થોડા દિવસ પહેલા આંદોલન છાવણીમાં બિમાર પડેલા ભાણીબેન પુનાભાઈ સાંખટને રાજુલા સરકારી હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તબીયતમાં સુધાર આવતા રાજુલા સરકારી હોસ્‍પીટલમાંથી રજા આપવામાં આવી હતી અને બીજા દિવસે અમદાવાદ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. કાલે અમદાવાદ હોસ્‍પીટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું. એક તરફ લોકો ન્‍યાય માટે ઝઝુમી રહૃાા છે અને સરકાર તો સામુ નથી જોતી નથી અને કુદરતી પણ કાંઈક નારાજ હોય તેવું લાગી રહૃાું છે.
આંદોલન છાવણીમાં ભાણાભાઈ ગુજરીયા, અશોકભાઈ ભાલીયા, અજય શિયાળ, હિતેષ વાળા, સંતોષગુજરીયા, કુંડલીયાળાનાં સરપંચ ગાંગાભાઈ હડીયા સહિતનાં લોકો બહોળી સંખ્‍યામાં રહૃાા હતા.

19-05-2018