Main Menu

Sunday, January 7th, 2018

 

અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીને સમગ્ર રાજયમાંથી અભિનંદન વર્ષા

વિરોધપક્ષનાં નેતાની જવાબદારી સોંપાતા
અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણીને સમગ્ર રાજયમાંથી અભિનંદન વર્ષા
યુવાનો-ખેડૂતો સહિતનો વર્ગ ખુશ થયા
અમરેલી, તા.6
તમામ ધારાસભ્‍યોના અભિપ્રાય અંગે રજુ થયેલ અહેવાલ બાદ કોંગ્રેસપક્ષના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીથી સતત ચૂંટતા લોકપ્રિય-સંવેદનશીલ યુવા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીના નામને મંજુરીની મહોર મારી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પરેશભાઈ ધાનાણીની નિમણુંકને આવકાર સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિઘ્‍ધાર્થભાઈ પટેલ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્‍ટ્રીય પ્રવકર્તા શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસ પક્ષના રાષ્‍ટીય મહામંત્રી મધુસૂદન મિસ્‍ત્રી, દિપકભાઈ બાબરીયાએ જણાવ્‍યું હતું કે, આજરોજ દિલ્‍હીમાં કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીની પસંદગી કરી છે. ગુજરાતની જનતાને ન્‍યાય અપાવવા માટે ગુજરાતનીજનતાની સમસ્‍યાને વાચા અપાવવા એક યુવા નેતાને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવવામાં આવ્‍યા તે આવકારદાયક છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ ધારાસભ્‍યો ટીમ કોંગ્રેસ તરીકે ગુજરાતની જનતનો અવાજ બનશે. વિધાનસભામાં અને વિધાનસભાની બહાર ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ પક્ષ રચનાત્‍મક અને અસરકારકતા સાથે આક્રમકતાથી લડત આપશે. ગુજરાતની જનતાએ આપેલ જનસમર્થન- જનઆશીર્વાદ સાથે આપેલ જવાબદારી બદલ કોંગ્રેસપક્ષ ગુજરાતની જનતાનો આભાર માને છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે યુવા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીના નામની જાહેરાતની સાથે સમગ્ર ગુજરાતના યુવાનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. અને વિશ્‍વાસ છે કે, લોકપ્રિય જનપ્રતિનિધી સંવેદનશીલ પરેશભાઈ ધાનાણી અને તમામ ધારાસભ્‍યો સફળતા સાથે ગુજરાતની જનતાનો અવાજ બનશે.
પરેશભાઈ ધાનાણી ખેડૂત પરિવારમાંથી આવે છે. એન.એસ.યુ.આઈ. યુથ કોંગ્રેસમાં સફળ જવાબદારી સંભાળ્‍યા બાદ કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય મંત્રી અને બિહારના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. થોડા સમય પહેલાંજ કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે તેઓની નિમણુંક કરવામાં આવી હતી.

પ્રતાપપરા રોડ ઉપર મોપેડ સ્‍લીપ થતાં આધેડનું ઈજાથી મૃત્‍યું

અમરેલી નજીક આવેલ
પ્રતાપપરા રોડ ઉપર મોપેડ સ્‍લીપ થતાં આધેડનું ઈજાથી મૃત્‍યું
સવારે યાર્ડમાં મજુરી કામે જતાં રસ્‍તામાં મોત મળ્‍યું
અમરેલી, તા. 6
અમરેલી તાલુકાનાં પ્રતાપપરા ગામે રહેતાં અને અમરેલી માર્કેટયાર્ડમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતાં રઘુભાઈ ડાયાભાઈ જાખડા નામનાં પ0 વર્ષિય આધેડ આજે વહેલી સવારે 6 વાગ્‍યાનાં સમયે પોતાના હવાલાવાળું મોપેડ લઈ અમરેલી માર્કેટયાર્ડમાં મજુરી કામે જવાનિકળ્‍યા હતા ત્‍યારે રસ્‍તામાં પોતાનું મોપેડ સ્‍લીપ થઈ જવાનાં કારણે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં સુરેશભાઈ કાળુભાઈ જાખરાએ જાહેર કર્યુ છે.

અમરેલી નજીક આવેલ ગાવડકા ચોકડી પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતાં 1નું ઈજાથી મૃત્‍યુ

ગાવડકાથી વાડીએ નિરણ લેવા જતાં રસ્‍તામાં બન્‍યો બનાવ
અમરેલી, તા. 6, અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં નનુભાઈ ચાવડીયા ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ લઈ અને વાડીએ નિરણ લેવા જતાં અત્‍યારેગાવડકા ચોકડી પાસે પહોંચતા ગ્રે કલરની કાર નંબર જી.જે.14 એ.કે. 9697ના ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મૃત્‍યુનિપજાવતાં આ અંગે મૃતકનાં પુત્ર કાળુભાઈ નનુભાઈ ચાવડીયાએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


લાઠી નજીક આવેલ ચાવંડ રોડ ઉપર વાડીમાંથી રૂા. 60 હજારનાં કપાસની ચોરી

ખુલ્‍લી બોલેરો જીપમાં 60 મણ કપાસ ભરી નાશી ગયા
અમરેલી, તા. 6
લાઠી તાલુકાના વિરપુર ગામે રહેતાં અને ચાવંડ રોડ ઉપર આવેલ નર્સરીની બાજુમાં વાડી ધરાવતાં મયુરભાઈ બાલાભાઈ જોગાણી નામના 39 વર્ષિય ખેડૂત યુવકની વાડીમાં ગત તા.4ના રાત્રિના 9 થી 11ના સમયગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા ઈસમોએ વાડીમાં પ્રવેશ કરી વાડીના પતરાનાં રોડનાં રૂમનાં તાળા-નકુચા તોડી આ રૂમમાં રાખેલ કપાસ આશરે 60 મણ કિંમત રૂા.60 હજારની કિંમતનો ખુલ્‍લી બોલેરો જીપમાં ભરી, ચોરી કરી નાશી જતાં આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. એમ.એચ. પરાડીયાએ વધુ તપાસ હાથ ધરીછે.

સાવરકુંડલાનાં વેપારી સાથે આંગડીયા કર્મીનાં નામે છેતરપીંડી કરવામાં આવી

ઠગ ટોળકીનું કારસ્‍તાન
સાવરકુંડલાનાં વેપારી સાથે આંગડીયા કર્મીનાં નામે છેતરપીંડી કરવામાં આવી
રૂપિયા 83 હજાર જેવી રકમ પડાવી લીધી
સાવરકુંડલા, તા.6
ઘનશ્‍યામભાઈ પ્રાગજીભાઈ રાદડીયા (ઉ.વ.41) ધંધો, વેપારી, રહે.સા.કુંડલા, મહાકાળી ચોક સા.કુંડલાવાળા, સાવરકુંડલામાં સોપારીના હોલસેલ વેપારી છે. અને તેઓ મેગ્‍લોરથી જથ્‍થાબંધ સોપારી મંગાવતા હોય. બનાવના દિવસે તા.13/10/17ના રોજ આ કામના આરોપી અનિલભાઈ મહેશ્‍વરી રહે.પાલનપુર વાળાએ ખોટું બોલી ફરિયાદીને કહેલ કે હું પી.એમ. આંગડીયા મેંગ્‍લોર ઓફીસમાંથી બોલું છું. તમારે મેંગ્‍લોરમાં સોપારીના વેપારીને રૂપિયા મોકલવાના હોય તો આણંદ મુકામે આવેલ પી.એમ.આંગડીયાની ઓફીસમાં મોકલી દો. તેમ કહેતા ફરિયાદીએ તા.13/10/17ના રોજ સા.કુંડલામાં આવેલ પી.એમ. આંગડીાયની ઓફિસમાં રૂા. 8304પ0 રોકડા જમા કરાવેલાઅને તે રૂપિયા પી.એમ.આંગડીયા પેઢી આણંદ ખાતે ટ્રાન્‍સફર કરાવેલા. અને ત્‍યાંથી આરોપી અમિતભાઈ ખત્રી રહે. ભોયાણ, તા.ડીસાવાળાએ પોતાની ઓળખાણ આપી રૂપિયા ઉપાડી લઈ મેંગ્‍લોર પી.એમ. આંગડીયા પેઢીમાં નહી મોકલી ફરિયાદીને વિશ્‍વાસમાં લઈ છેતરપીંડી કરી બન્‍ને આરોપીઓએ ગુન્‍હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુન્‍હો કર્યા અંગેની ફરિયાદ સાવરકુંડલા ટાઉનમાં આજ રોજ દાખલ થતા પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.બી.પટેલે તપાસ સંભાળી આરોપીઓ હસ્‍તગત કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

પાલિકાનાં કર્મચારીઓનું આર્થિક શોષણ બંધ કરો

પાલિકા કર્મચારી મહામંડળે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો
પાલિકાનાં કર્મચારીઓનું આર્થિક શોષણ બંધ કરો
કાળઝાળ મોંઘવારીમાં કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ
અમરેલી, તા. 6
ગુજરાત રાજયની નગરપાલિકાઓમાં ફરજ અદાકરતા કર્મચારીઓનાં પગારમાં ગુજરાત સરકાર તરફથી મહેકમ ખર્ચની ટકાવારી મુજબ નગરપાલિકાઓનાં કર્મચારીઓનું પગાર ધોરણ નકકી કરવામાં આવેલ છે. આ કારણોસર ગુજરાત રાજયની ઘણી નગરપાલિકાઓમાં હજુ સુધી છઠ્ઠા પગાર પંચનો પણ સંપૂર્ણ પણે અમલ થઈ શકેલ નથી. એટલે કે ઘણી નગરપાલિકાઓમાં કર્મચારીઓને ચોથા પગાર પંચ/પાંચમા પગાર મુજબનો પગાર ચૂકવવામાં આવી રહેલ છે. અને ગુજરાત રાજય સરકારનાં કર્મચારીઓને વખતો વખત ભારત સરકાર તરફથી જાહેર થતાં સાતમાં પગાર પંચ અન્‍વયેના લાભો નિયમિત પણે મંજૂર કરી ચૂકવવામાં આવે છે. આમ માત્ર ગુજરાત રાજયની નગરપાલિકાઓમાં કર્મચારીઓ હજુ સુધી ચોથા પગાર પંચ, પાંચમા પગાર પંચ મુજબનાં પગાર ધોરણ મેળવતાં હોય અને તેમાં પણ સમયાંતરે મળવાપાત્ર મોંઘવારી નિયત ન થવાના કારણોસર ગુજરાત રાજયની નગરપાલિકાઓનાં કર્મચારીઓ નારાજ થયેલ છે. તેમજ નગરપાલિકાઓનાં કર્મચારીઓમાં વ્‍યાપક રોષ ફેલાયેલ છે. આથી ગુજરાત રાજયની નગરપાલિકાઓનાં કર્મચારીઓનું માન-સન્‍માન જળવાય રહે તે પણ ઘણું જરૂરી છે.
આ અંગે ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહા મંડળ ઘ્‍વારા સમયાંતરે ગુજરાત સરકારમાં રૂબરૂ તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવેલ. આમ છતાં પણ આજ દિન સુધી યોગ્‍ય નિર્ણય થયેલ ન હોય આથીગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહા મંડળ સૌરાષ્‍ટ્ર વિસ્‍તારનાં પ્રમુખ દિપક ગલથિયા ઘ્‍વારા ગુજરાત રાજયની નગરપાલિકાઓનાં કર્મચારીઓનું માન સન્‍માન જળવાય રહે તે માટે આજની કાળઝાળ મોંઘવારીમાં મળવાપાત્ર ચોથા પગાર પંચ, પાંચમાં પગાર પંચ મુજબની મોંઘવારી નિયત કરવા અંગે સત્‍વરે હુકમ કરવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આલેલે : અમરેલી-સુરતરૂટની એસ.ટી. બસ 360 લીટર

એસ.ટી.નાં એમ.ડી. તટસ્‍થ તપાસ કરાવશે ખરા?
આલેલે : અમરેલી-સુરતરૂટની એસ.ટી. બસ 360 લીટર ડીઝલ પી જતાં આશ્ચર્ય
એરલોકનાં બહાના તળે કૌભાંડને છાવરવાનો પ્રયાશ
રાજુલા, તા. 6
અમરેલી એસ.ટી. ડીવીઝન એટલે અવનવા ભ્રષ્‍ટાચારનું કેન્‍દ્ર બિન્‍દુ, અધિકારીઓ મનફાવે તે રીતે વહીવટ ચલાવી રહૃાા હોવા છતાં પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી
દરમિયાનમાં 1લી ડીસેમ્‍બરનાં રોજ અમરેલીથી સુરત તરફ રવાના થયેલ એસ.ટી. બસમાં ડીઝલ પુરવાનું ભૂલી જવાયુ અને બાદમાં બોરસદ સુધીમાં ડીઝલ ખલાશ થતાં બોરસદ ડેપોમાં 360 લીટર ડીઝલ પુરવામાં આવ્‍યું.
બાદમાં આ કૌભાંડને છાવરવા માટે અમરેલી એસ.ટી. ડેપોમાંથી કાગળ પર જ 360 લીટર ડીઝલ પુરવાનું દર્શાવાયુ અને બસ એરલોક થઈ એટલે ડીઝલ માર્ગમાં ખલાશ થયાનો રીપોર્ટ બનાવવામાં આવ્‍યો.
એસ.ટી.નાં એમ.ડી. સોનલ મિશ્રા સોમવારે અમરેલીની મુલાકાતે આવી રહૃાા હોય આ કૌભાંડની તપાસ કરાવે તો કડાકા-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

અંતે અમરેલીનાં ધારાસભ્‍યને ભારેખમ જવાબદારી

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા બનાવવામાં આવ્‍યા
અંતે અમરેલીનાં ધારાસભ્‍યને ભારેખમ જવાબદારી
આઝાદ ગુજરાતમાં સૌપ્રથમ વખત અમરેલીને વિરોધપક્ષનાં નેતાની જવાબદારી મળી
અમરેલી, તા. 6
અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીને કોંગી હાઈકમાન્‍ડે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસદળનાં નેતાએટલે કે વિરોધપક્ષનાં નેતાની જવાબદારી સોંપતા અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર ગુજરાતનાં કોંગીજનોમાં આનંદની લાગણી ફરળી વળી છે.
વર્ષ ર00રમાં ભાજપનાં કદાવર નેતા અને પ્રખર વકતા પરશોતમ રૂપાલા, બાદમાં વધુ એક કદાવર નેતા દિલીપ સંઘાણીને અને થોડા દિવસો પહેલા ભાજપનાં ત્રીજા કદાવર નેતા બાવકુભાઈ ઉંઘાડને પરાજિત કરીને ભાજપની મહત્‍વની ત્રણ વિકેટ ખેડવીને રાહુલ ગાંધી ટીમનાં ખાસ મેમ્‍બર બનેલ પરેશ ધાનાણીને વિરોધપક્ષનાં નેતાની ભારેખમ જવાબદારી સોંપવામાં આવી છે.
માત્ર 41 વર્ષની વયે મહત્‍વની જવાબદારી પરેશ ધાનાણીને સોંપાતા આ ઘટના અમરેલી માટે સૌપ્રથમ બની છે.
ગુજરાતને પ્રથમ મુખ્‍યમંત્રીની ડો. જીવરાજ મહેતાનાં સ્‍વરૂપમાં ભેટ આપનાર અમરેલીએ આજે સૌપ્રથમ વખત વિરોધપક્ષનાં નેતાની ભેટ પણ આપી છે.
યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણી દરેક સમાજને સાથે લઈને ચાલવાની આદત ધરાવે છે અને હંમેશા ભ્રષ્‍ટાચાર સામે લડતાં આવ્‍યા છે અને ભાજપ સરકારને હંમેશા મુશ્‍કેલ રહૃાા હોય હવે તેઓ વિરોધપક્ષનાં નેતા તરીકે ભાજપ સરકાર કાંઈપણ ભુલ કરશે તો મકકમતાથી સામનો કરી શકે તેમ છે. અને સમગ્ર ગુજરાતનાં કોંગીજનોમાં ઉત્‍સાહ ઉભો કરીને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્‍યત્તમ સફળતા અપાવવા મહેનત કરશે તેમાં કોઈ જ શંકાનથી.

અમરેલીમાં આસ્‍થાભેર ‘‘શ્રીકૃષ્‍ણ કથામૃતમ્‌”નો પ્રારંભ

વિશ્‍વ વિખ્‍યાત ભાગવત્‌કાર શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈજી)નાં વ્‍યાસાસાને
અમરેલીમાં આસ્‍થાભેર ‘‘શ્રીકૃષ્‍ણ કથામૃતમ્‌”નો પ્રારંભ
શહેરનાં રાજમાર્ગો પર પોથીયાત્રાનું ઠેર-ઠેર આસ્‍થાભેર સ્‍વાગત કરાયું
અમરેલી, તા. 6
અમરેલીના આંગણે આજે 30 વર્ષ બાદ પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈજી)નાં વ્‍યાસાસાને “શ્રી કૃષ્‍ણ કથામૃતમ” નો આસ્‍થાભેર પ્રારંભ થયો હતો. આ ધાર્મિકોત્‍સવનું આયોજન સમસ્‍ત કડવા પાટીદાર સમાજ વતી ફીણાવા પરિવારે કર્યુ છે.
કથા પ્રારંભે આજે નાગનાથ મહાદેવ મંદિરેથી પોથીયાત્રાનો આસ્‍થા અને ઉત્‍સાહભેર પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં હજારોની જનમેદની અને હજારો વાહનો સાજ-શણગાર સાથે જોડાયા હતા.
શહેરનાં વરસડા માર્ગ પર આવેલ દ્રષ્‍ટિ કોટ સ્‍પીન ખાતે શરૂ થયેલ કથામૃતમમાં દીપ પ્રાગટય પૂ. દ્વારકેશલાલજી મહારાજનાં વરદ હસ્‍તે કરવામાં આવેલ.
સમગ્ર ધાર્મિકોત્‍સવનું આયોજન ફીણાવા પરિવાર ઘ્‍વારા કરવામાં આવેલ છે. આજે પ્રથમ દિવસે જ હજારોની જનમેદની ઉમટી પડી હતી. કથાનો સમય સવારનાં 9-30થી બપોરનાં 1-30 સુધી છે.
કથા સ્‍થળે ભોજન સહિતની સુંદર વ્‍યવસ્‍થાનું આયોજન કરવામાં આવેલ હોય ધાર્મિકજનોને લાભ લેવા ફીણાવા પરિવારે અનુરોધ કરેલ છે.

શેખપીપરીયાની ‘‘કાજલ” નામની ઘોડીની અંતિમક્રિયા કરાઈ

ભાદાણી પરિવારે જીવની જેમ જેનો ઉછેર કર્યો તેવી
શેખપીપરીયાની ‘‘કાજલ” નામની ઘોડીની અંતિમક્રિયા કરાઈ
સાવરકુંડલા, તા. 6
ભારતના ઈતિહાસમાં રાજવીઓમાં ઘોડીનું અનેરું મહત્‍વ હતું પરંતુ આજે એવી લાખેણી અને પાણીદાર ઘોડીઓ જોવા મળતી નથી ત્‍યારે લાઠીના શેખપીપરિયા ગામે ભાદાણી પરિવારના એક સભ્‍યની જેમજ આવી પાણીદાર ઘોડીઓ ઉછરી રહી છે. તેમાંની કાજલ નામની એક ઘોડી અચાનક મૃત્‍યુ પામતા પરિવારને પારાવાર દુઃખ થયું અને માનવીય મૃત્‍યુ પછીની કરવામાં આવતી શાસ્‍ત્રોકત ઉતરક્રિયાની જેમજ કરી ઉત્તરક્રિયા. સગા સંબંધી અને ગુજરાતભરના અશ્‍વપ્રેમીઓને આમંત્રણ આપી કાજલ ઘોડીનું કર્યુ બારમું. ભાદાણી પરિવારના સભ્‍યોએ ગોર મહારાજને બોલાવી પિંડદાન સાથે તર્પણ કર્યુ અને ઘોડીના મોક્ષાર્થે ગામની ગાયોને ઘાસચારો નાખી કાજલની બે સહેલી ઘોડીઓએ આવેલ અશ્‍વપ્રેમીઓને મહેમાનોની સામે જાત જાતના કરતબ બતાવ્‍યા અને આ કરતબો જોઈને લોકો ખુશ થયા. ત્‍યારે એક ઘોડીએ તેની બહેનપણી કાજલ ઘોડીને ફૂલહાર પહેરાવી નતમસ્‍તકે વંદન કર્યુ. આ ઘટનાથી પશુપ્રેમ અને માનવિય પશુપ્રેમની અનુભૂતિ કરી.સમગ્ર ગુજરાતમાંથી આવેલા અશ્‍વપ્રેમી અને સ્‍નેહીઓએ ભાદાણી પરિવારની સરાહના કરી દુઃખ સાથે અભિનંદન પણ પાઠવ્‍યા અને પશુઓનાપાણી ઢોળની આ કદાચ પહેલી ઘટના હશે. સૌરાષ્‍ટ્રના વતની અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઘોડી વિશે અનેક પાણીદાર કથાઓ લખી છે. ત્‍યારે જો આજે મેઘાણી હોત તો કાજલનો ઈતિહાસ પણ લખત. સમગ્ર વિશ્‍વને સંદેશ લેવા જેવી આ ઘટના શેખપીપરિયા ગામે બની છે. ત્‍યારે આજે માણસ માણસ વચ્‍ચે પ્રેમ રહૃાો નથી તો પશુ પ્રત્‍યે કયાંથી પ્રેમ હોય જો આ ઘટનાને ગંભીરતા પૂર્વ જોવામાં આવેતો સમગ્ર વિશ્‍વના વેરઝેર ઘટી જાય તે નિર્વિવાદ સત્‍ય બની રહેશે.

વનકર્મીને ચાલુ ફરજે ખોડખાંપણ થતાં ફરજ મોકૂફ કરાયા

વનવિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓએ માનવતા નેવે મૂકી દીધી
વનકર્મીને ચાલુ ફરજે ખોડખાંપણ થતાં ફરજ મોકૂફ કરાયા
ફોરેસ્‍ટર મહેમાનોને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોય વનકર્મીએ વિરોધ કરતા થયો હુમલો
જાફરાબાદ, તા.6
જાફરાબાદના વન કર્મીને ફરજ દરમિયાન કાયમી ખોટ ખાપણ આવ્‍યું અને જંગલના જટિલ કાયદા અને અધિકારીઓએ માનવતા નેવે મૂકી બીમાર કર્મીને ફરજમુકત કરતા માનવતા મરી પરવારી. વન વિભાગના જટિલ કાયદા અને જડ અધિકારીઓ પર અનેક સવાલો શરૂ થયા છે.
જંગલખાતાના જટિલ કાયદા અને જંગલના જટિલ અીધકારીઓએ ફરજ દરમિયાન ઘાયલ થઈ કાયમી ખોટ ખાપણ આવેલ, ગરીબ, બીમાર વન કર્મીને ફરજ મુકત કરી દેતા વન વિભાગના અધિકારીઓની માનવતા મરી પરવારી હોવાનું સામે આવ્‍યું છે.
વિગત મુજબ અમરેલી વન વિસ્‍તરણ વિભાગ, ફોરેસ્‍ટર પોતાના મહેમાનોને લઈ બાબરકોટ એનીમલ કેર સેન્‍ટરમાં સિંહોની સારવાર અને સિંહના બચ્‍ચાને ગેરકાયદે બતાવતા હતા. અને સિંહની ફોટોગ્રાફી કરી રહયા હતા. તે દરમિયાન અહીંના ફરજ પરના કર્મી અનુભાઈએ તેમના મહેમાનોને ફોટો પાડવાની ના પાડી અને પાડેલ ફોટાને સોશ્‍યલ મીડિયામાં ન મૂકવા જણાવ્‍યું હતું તે દરમિયાન આ અધિકારીએ અનુભાઈને ફોટો પાડવાની ના કેમ પાડી તેમ કહી તેમને ધમકાવી બહાર ચાલ્‍યા ગયા હતા અને વાત આટલેથી નહીં અટકતા તે દિવસે સાંજે જ આ તેમના મળતીયાને લઈ અનુભાઈને બાબર કોટ એનીમલ કેરમાંથી બહાર બોલાવી તેમને ખાણ પાસે લઈ જઈ ઢોર માર મારે છે. જેમાં અનુભાઈને ગંભીર ઈજા થતા રાજુલા સિવિલમાં ખસેડવામાં આવ્‍યા. જયાં સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. હવે વાત આટલેથી નહીં અટકતા ચાર પાંચ દિવસ બાદ આ કર્મીને ફરજ પર જ ફરીપેટમાં દુઃખાવો થવા પામે છે. ત્‍યારે જાફરાબાદ પ્રાથમિક સારવાર બાદ મહુવા કનુભાઈ કળસરીયાની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવે છે. જયાં આ વન કર્મીના રિપોર્ટ ચોંકાવનારો આવે છે. અહીંના ફરજ પરના ડોકટરોએ તેમને કીડની અથવા નીચેના પ્રજનન અંગ તાકીદે કાઢવાનું તુરંત કહેવામાં આવે ત્‍યારે નાછુટકે આ ગરીબ વન કર્મીના નીચેના પ્રજનન અંગો કાઢી નાખવામાં આવે ત્‍યારે સમગ્ર ઘટના ફરજ પર જ બની હોય તેમને ફરજ પર આરામ કરવા રજા આપવામાં આવે છે ત્‍યારે આજ બે મહિના બાદ તબિયત સુધરતા તેઓ જાફરાબાદ વન કચેરીએ પહોંચે તો તેમને ન સાંત્‍વના કે ના તો બે સારા શબ્‍દો ને બદલે પોતાને ફરજ મુકત કરેલ સસ્‍પેન્‍સનનો કાગળ પકડાવવામાં આવે છે. ત્‍યારે ફરજ દરમિયાન આજીવન ખોટ ખાપણ થઈ હોવા છતાં જંગલના જટિલ અને જડ કાયદા અને અધિકારીઓના મનસ્‍વી વલણને કારણે એક વન કર્મી શરીરથી આજીવન ખોડ ખાપણ ધરાવતો થયો અને ઉપરથી તેમને વગર વાંકે ફરજ મુકત કર્યો તેથી વન વિભાગ અમરેલીના આ નિર્ણયથી માનવતા પર અનેકો સવાલ ઉભા થવા પામ્‍યા છે. જયારે આ વન કર્મી હવે બીજુ કશું કામ પણ નહીં કરી શકે અને ચોકકસથી આજીવન ખોટ ખાપણ ધરાવશે તેથી તુરંત આ વન કર્મીને ફરી વન વિભાગના ખાતામાં સમાવવા હાલ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમરેલી સાંસદનારણભાઈ કાછડીયા સહિત વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ પી.એમ.ઓ. કાર્યાલય દિલ્‍હી સુધી આ અંગે જાણ કરવામાં આવી હોવાનું હનીફભાઈ કાતીયારે જણાવ્‍યું હતું.

બાબરામાં ગોપાલકછાત્રાલયમાં વાલી મિટીંગ યોજાઈ

બાબરામાં માલધારી સમાજની ગોપાલક છાત્રાલયમાં વાલી મિટીંગ યોજાય હતી. જેમાં બહોળી સંખ્‍યામાં સમાજના આગેવાનો અને વાલીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરા તાલુકામાં સૌ પ્રથમ એવી આધુનિક શિક્ષણની છાત્રાલય સમસ્‍ત માલધારીઓ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં માલધારીઓના બાળકો શિક્ષણ મેળવી રહયા છે. ત્‍યારે આજે ગોપાલક છાત્રાલયના પ્રમુખ ખોડાભાઈ રાતડીયાના પ્રમુખ સ્‍થાને વાલી મિટીંગ મળી હતી. જેમાં રૂપાભાઈ, સામતભાઈ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. આ તકે સમાજ શિક્ષિત બને અને સંગઠિત બને તેની ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

અવસાન નોંધ

સાવરકુંડલા : સગર હરીભાઈ ટપુભાઈના ભાઈ છગનભાઈ ટપુભાઈ સગર (ઉ.વ.69)નું તા.પ/1ના રોજ અવસાન થયેલ છે. તેમજ અમારા ફૈબા પુરીબેન જેરામભાઈ સગરનું તા.પ/1ના રોજ અવસાન થયેલ છે. બન્‍નેનું બેસણું તા.8/1ને સોમવારના રોજ 4 થી 6 અમારા નિવાસ સ્‍થાન ઝીંઝુડા ગેઈટ, ચાંપરાજ બાપુની જગ્‍યાની બાજુમાં રાખેલ છે.
સાવરકુંડલા : પંડિત ગણપતભાઈ છગનલાલ (ઉ.વ.78)નું તા.પ/1ના રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.8/1ને સોમવારના રોજ સવારના 8 થી 6 અમારા નિવાસ સ્‍થાન ઈન્‍દિરા વસાહત ખાતે રાખેલ છે.
કુંકાવાવ મોટી : બરવાળા બાવીશી નિવાસી ધીરૂભાઈભીખાભાઈ અમરેલીયાના ધર્મપત્‍ની જયાબેન (ઉ.વ.પ3) તે હરેશભાઈ, પરેશભાઈ, શૈલેષભાઈના માતુશ્રી તેમજ પ્રતાપભાઈના ભાભીનું તા.3/1ને બુધવારના રોજ અવસાન થયેલ છે.
સાવરકુંડલા : (ગરાસીયા રજપૂત મરણ) લકુમ બટુકભાઈ મગનભાઈ (ઉ.વ.પર)નું તા.1/1 ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.8/1 ને સોમવારના રોજ 4 થી 6 અમારા નિવાસ સ્‍થાને, ગોકુલનગર ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : (દરજી મરણ) દરજી છગનભાઈ પરશોતમભાઈ વાઘેલા (ઉ.વ.8પ)નું તા.6/1 ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.8/1 ને 4 થી 6 સૌરાષ્‍ટ્ર સઈ સુતાર જ્ઞાતિવાડી ખાતે રાખેલ છે. તે ગોપાલ તથા ભરતભાઈના પિતાશ્રી થાય.

અમરેલી એસ.ટી. ડીવીઝનમાં રાખેલ 3 ખાનગી બસમાં લાગી આગ

વીજ લાઈનમાં શોર્ટ સરકીટ થતાં
અમરેલી એસ.ટી. ડીવીઝનમાં રાખેલ 3 ખાનગી બસમાં લાગી આગ
આર.ટી.ઓ. ર્ેારા ડીટેઈન કરાયેલ બસ હોવાનું મનાઈ રહૃાું છે
અમરેલી, તા. 6
અમરેલી આર.ટી.ઓ. કચેરી ર્ેારા અગાઉ ડીટેઈન કરાયેલ ખાનગી બસને અમરેલી એસ.ટી. ડીવીઝનનાં પટાંગણમાં પાર્ક કરવામાં આવેલ હોય, અને પાર્ક કરાયેલ ખાનગી બસ ઉપરથી હેવી લાઈન વીજ વાયર પસાર થતાં હોય, ત્‍યારે વીજ વાયરમાં અકસ્‍માતે શોર્ટ સરકીટ થતાં નિચે રાખેલ ખાનગી બસમાં આગ લાગતાં 3 જેટલી બસ સળગી ઉઠવાનું જાણવા મળેલ છે. જોકે આ લખાય છે ત્‍યારે આબનાવ અંગે સીટી પોલીસમાં કોઈ સત્તાવાર રીતે જાણ કરવામાં પણ નહી આવી હોવાનું જાણવા મળેલ છે.

જિલ્‍લા બેન્‍કનાં એમ.ડી.ની તબિયત લથડતાં બાળાઓએ તંદુરસ્‍તીની પ્રાર્થના કરી

મહિલા વિકાસ ગૃહની સેવાકીય પ્રવૃતિ સાથે ઓતપ્રોત જિલ્‍લા બેન્‍કના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી છેલ્‍લા બે દિવસથી નાદુરસ્‍ત તબિયતને કારણે હોસ્‍પિટલના બિછાને છે. જેના સમાચાર પ્રસરતા મહિલા વિકાસ ગૃહની બાળાઓ હતપ્રભ બનીને હોસ્‍પિટલે દોડી આવી ચંદુભાઈ સંઘાણીના ખબરઅંતર પૂછયા હતા. બાળાઓએ જણાવેલ કે, આખુ વરસ અમારી સંભાળ લેતા અને જન્‍મ દિવસ ઉજવતા ચંદુભાઈ અમારા મોભી સમાન છે. તેથી તેમની સંભાળ લેવી અમારૂ કર્તવ્‍ય છે તેમ જણાવી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમ સંસ્‍થાની યાદીમાં જણાવેલ છે.

07-01-2018